ઈતિહાસ સાક્ષી છે કે આક્રમણ કરનાર એ જ હોય છે જે તાકાતવર અને આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. આક્રમણ કરીને જે માત્ર જીતવાનો જ ઈરાદો રાખે છે યે ભાગ્યે જ હારનો સામનો કરે છે.
ભારત દેશ પર પણ અત્યાર સુધીમાં ઘણાં આક્રમણો થઈ ચુક્યા છે અને હજુ પણ થતાં જ રહે છે. આજે દુનિયાનાં મોટા ભાગના દેશો એકબીજા પર આક્રમણ કરવાનાં ઈરાદા સાથે કેટલીયે પરમાણુ શક્તિઓનો સંગ્રહ કરવા માંડ્યા છે. બે બે વિશ્વયુદ્ધથી થયેલ ખુવારી જોયા પછી પણ હજુ આક્રમણોની તૈયારીઓ થતી જ રહે છે. આ એ વાતની સાબિતી છે કે આજનો મનુષ્ય નુકસાની ભોગવવા તૈયાર છે પણ પોતાની જીદ મૂકવા નહીં.
ચાલો આ તો થઈ એવા આક્રમણોની વાત કે જે મોટા પાયા પર મોટા મોટા લોકો વચ્ચે થાય છે. મારે તો વાત કરવી છે આપણાં સમાજમાં નાના પાયે ચાલતાં આક્રમણોની. બે ભાઈઓ, સાસુ વહુ, નણંદ ભાભી, દેરાણી જેઠાણી વચ્ચે વર્ષોથી શબ્દોરૂપી આક્રમણ થતાં જ રહ્યાં છે અને હજુ પણ થાય જ છે. ગમે તેટલું સભ્ય કે ઉચ્ચ કુટુંબ હોય આવા આક્રમણો તો થાય જ છે. આમાં સુધારાની જરુર છે.
એક વ્યક્તિને હતાશ કે નિરાશ કરવા માટે કે હરાવવા માટે બહુ મોટા કાવતરા રચવાની કે આક્રમણ કરવાની જરૂર નથી, બસ માત્ર એનાં સ્વમાન પર આક્રમણ કરો એ આપોઆપ જ ઘાયલ થઈ જશે. એક સ્વાભિમાની વ્યક્તિ માટે એનાં સ્વમાન પર થયેલ આક્રમણ અસહ્ય હોય છે. કેટલાંક લોકો એવા પણ હોય છે કે જેનાં સ્વમાન પર હુમલો કરો કે એને નજરઅંદાજ કરો કોઈ જ ફેર પડતો નથી.
આક્રમણ લોહી લુહાણ જ કરે એવું નથી, કેટલાંક આક્રમણ માનસિક હુમલો પણ કરે છે, એટલે કે બધાં જ આક્રમણ શસ્ત્રોથી જ થાય એ જરૂરી નથી કેટલાંક આક્રમણ જીભથી પણ થાય છે. શસ્ત્રોથી થયેલ આક્રમણથી મનુષ્ય સારો પણ થઈ જાય છે પરંતુ શબ્દોનાં આક્રમણથી ઘાયલ થયેલા વ્યક્તિને એમાંથી બહાર આવતાં વર્ષો નીકળી જાય છે અને ક્યારેક તો આખી જિંદગી.
#આક્રમણ