સવારે માતૃભારતી ખોલ્યું - શબ્દ જોયો - કેરળ. સૌથી પહેલાં તો એ જ વિચાર આવ્યો કે શું હવેથી સ્થળ વિશેની માહિતી લખવાની રહેશે? પછી બંધ કરીને થોડા કામ બાકી હતાં તે પતાવ્યા. હવે લખું છું તો પણ એ નથી સમજાતું કે શું લખું? આખા કેરળનો પરિચય આપવાનો છે કે કેરળનું મહત્ત્વ જણાવવાનું છે? મને તો એમ જ હતું કે આજનો શબ્દ ચોક્ક્સ શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલો જ હશે.
આખરે નક્કી કર્યું કે મારા એક સહકર્મી જે ત્યાંના જ વતની છે, એમની પાસેથી જે જાણવા મળ્યું છે તેની જ ચર્ચા કરું.
ત્યાંની માતૃભાષા મલયાલમ છે. મોટા ભાગનાં લોકો મલયાલમ બોલે છે અને અન્ય ભાષા તરીકે બીજા સ્થાને અંગ્રેજી ભાષા છે. ત્યાંના લોકો મલયાલી, કેરાલાઇટ કે કેરલિન તરીકે ઓળખાય છે. સૌથી નવાઈ પમાડે એવી ત્યાંની વાત મને એ લાગી હતી જ્યારે મને જાણવા મળ્યું કે ત્યાં લોકોની અટક(surname) ફરજીયાત નથી હોતી.
આપણાં દેશમાં સાક્ષરતાની દ્રષ્ટિએ પ્રથમ ક્રમ ધરાવતું રાજ્ય છે. 2011ની ગણતરી મુજબ ભારતમાં કેરળ રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ 22મો અને વસ્તીની દ્રષ્ટિએ 13મો ક્રમ ધરાવે છે. તે 'God's own country's તરીકે જાણીતું છે.
મોહિનીઅટ્ટમ અને કથકલી ત્યાંના શાસ્ત્રીય નૃત્યો છે.
આપણાં દેશમાં સૌથી પહેલું ચોમાસુ ત્યાં જ શરુ થાય છે. ત્યાંનું રાજ્ય પ્રાણી હાથી છે, અને તેથી જ બે મહિના પહેલા જ્યારે એક ગર્ભવતી હાથણીને ફટાકડાવાળું અનાનસ ખવડાવીને મારી નાખવામાં આવી ત્યારે હોબાળો મચ્યો હતો.
ત્યાંનું મોટા ભાગનું ખાવાનું નાળિયેરના તેલમાં બને છે. જેવી રીતે આપણે અનાજ દળવાની ઘંટી જોઈ છે તેવા ત્યાં નાળિયેરનું તેલ કાઢવાના સન્ચા હોય છે. ત્યાંની સૌથી પ્રખ્યાત એવી ફણસની વેફર એકવાર ચાખવા જેવી છે.
ત્યાંના મસાલા પણ ખૂબ જ પ્રખ્યાત છે, ખાસ કરીને મરી.
કેરળનું કુદરતી સૌંદર્ય અનેક દેશી વિદેશી પ્રવાસીઓને આકર્ષે છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે અને કુદરતના ખોળે રહેવાની મજા માણે છે.
#કેરળ