Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મધર ટેરેસાનું એક વાક્ય યાદ આવે છે, "કોઈની દયાને પાત્ર થવા કરતાં ઘસાઈને કટાઈ જવું સારું". સાચી જ વાત છે ને! શા માટે કોઈની દયાના અધિકારી થઈને મજબૂર જીવન જીવીએ? આપણે પોતાની જાતને એટલી તો સક્ષમ બનાવવી જ જોઈએ કે કોઈને આપણાં પર દયા ન ઉપજે પરંતુ ગર્વ થાય.
કેટલા બધા લોકો બીજા સામે હંમેશા એ રીતે રહેતાં હોય છે કે જાણે એમની મદદ વગર એ મૃત્યુ પામશે, એની સામે કેટલાંક લોકો એવા પણ હોય છે કે જે શરીરનું કોઈ અંગ ગુમાવ્યા પછી પણ ખુમારીથી જીવે છે. કોઈની દયા પર જીવવા કરતાં સ્વમાનથી રહેવું એઓને વધુ પસંદ છે.
જંગલોમાં જ્યારે આગ લાગે છે ત્યારે અસંખ્ય વન્યજીવો નાશ પામે છે. આગ લાગી હોય છે ત્યારે એમની સ્થિતી દયાજનક બને છે. ન તો સમયસર મદદ મેળવી શકે છે કે ન તો કોઈને મદદ માટે બોલાવી શકે છે. તે છતાં પણ આ પ્રાણીઓ કોઈની દયાને પાત્ર બનવા કરતાં પોતે જ પોતાનાં બચાવમાં લાગી જાય છે. કોઈ બચી જાય છે અને કોઈએ જીવ ગુમાવવો પડે છે.
આ લોકડાઉનનાં સમયમાં ઘણાં બધાં લોકોએ પોતાની નોકરી ગુમાવી, રોજી રોટી મળતી બંધ થઈ ગઈ. આવા સમયે કેટલાંક લોકો બીજાની દયા પર જીવવા મજબૂર થઈ ગયા અને કેટલાકને બીજાની દયા પર જ જીવવાની આદત થઈ ગઈ, પણ કેટલાંક લોકો નિરાશાને ખંખેરીને કોઈ બીજું કામ કરવા લાગ્યા - શાકભાજીનું વેચાણ, વાહનો રીપેરીંગ, લોકોના ઘરની સાફસફાઈ... વગેરે જેવા કામો.
જો આપણામાં આવડત હોય તો કોઈની દયા મેળવવાની રાહ જોવી પડતી નથી. આવડતની સાથે સાથે કોઈ પણ કામ કરવાની દાનત પણ હોવી જોઈએ. જો આપણને કામ કરવામાં નાનમ ન અનુભવાતી હોય તો ક્યારેય કોઈની દયા ઉપર જીવવું પડતું નથી. આપણને ક્યાંકથી ને ક્યાંકથી કોઈ ને કોઈ કામ મળી જ રહે છે.
ક્યારેક કોઈની દયા મેળવવા મજબૂર થવું પડે તો પણ એટલું જરૂરથી ધ્યાન રાખવું કે જેવી આપણને કોઈ કામ કરવાની તક મળે કે તરત જ ફરીથી પગભર થઈ જવું અને જેમણે આપણને ખરાબ સમયમાં મદદ કરી હતી, જેમની દયા પર આપણે કપરાં સમયમાં પોતાના અસ્તિત્વને ટકાવી શક્યા હતા એને હંમેશા પૂજનીય ગણીએ. ક્યારેક એમને આપણી મદદની જરૂર પડે તો એઓ આપણી પાસે કોઈ પણ જાતના સંકોચ વગર આવી શકે. તે સમયે આપણે આપણી એ સ્થાને કેવી રીતે પહોંચ્યા એની બડાઈ મારવાની જરુર નથી, કારણ કે પેલા વ્યક્તિની દયાભાવનાને લીધે જ આ બધું શકય બન્યું છે.
હું તો એટલું માનું છું કે જો દયાને પાત્ર થવું જ હોય તો જે સર્વશક્તિમાન છે તે ભગવાનની દયાને પાત્ર થાઓ. એ ક્યારેય તમને નીચું ન જોવા દેશે. પૂરા મનથી એમની ભક્તિ કરો, એ ક્યારેય આપણને કોઈની દયાને પાત્ર નહીં થવા દે. હરહંમેશ આપણી પડખે ઊભા જ રહેશે.
#દયા

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111537819
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now