ચાલને વાત કરીએ...
એકબીજાને માટે કવિતાઓ તો અઢળક લખી,
ચાલ ! આજે મળીએ, મળીને પોતાની જ પંચાત કરીએ.
ભેદભરમથી ભરપૂર, શિષ્ટાચારના જંજાળમાં ફસાતાં,
છેવાડાનાં નિર્દોષ અશિક્ષિત થવા, મન આપણા કચવાતા ને કરગરતા.
લગાતાર કમાવાની ભુલભુલામણીમાં, કોણ જાણે ક્યાં ખોવાઈ ગયાં,
મૂક બધું, આવીજા ! જીવનનાં જંતર-મંતરની સાપસીડી ને સતોડિયું રમીએ.
સારું-નરસું થવાનું આજસુધી, અજાણ્યો ભવિષ્યવેત્તા જ તો ભાખતો આવ્યો,
સાંભળને ! સહિયારી ખુશીનું ખગોળશાસ્ત્ર ભણીએ તો કેવું ?
પૈસા ચૂકવી તરોતાજા થવા, જીમમાં કેટલાં અટવાયા યાદ છે ને?
શું કહે છે? ઊગતા સૂરજની તાજગીમાં, આળસ મરોડતાં પક્ષી બનીએ?
લાગે છે, જિંદગીનું ઘોંઘાટિયું વાહન વેંઢારતા બહેરો થઈશ
આવ ! ઉત્સાહથી પડેલાં પડઘાં ઝીલતા પર્વતનું મૌન બનીએ
ટીપે-ટીપે જીવીને, પહેલાં અધૂરપનું ઝરણું ને પછી ધોધ થયાં,
ભેગાં મળી ઝિંદાદિલીથી તરબતર તરણું બનીએ ને ઝઝૂમીએ.
હ્રદયની ધબકાર અને આંખના પલકારે, વાત સમજતાં આવ્યાં
ચાલ એક અખતરો કરીએ... ચાલ આજે કંઇક વાત કરીએ...
- પંકિલ દેસાઈ