લઘુકથા -
તારીખ વાર એમ હું આપી નહીં શકું,
એકેક યાદ અર્થ સભર, ના વણી શકું. -
-મનોજ શુક્લ.
(૨૪-૨-૨૦૨૦)
મંગલબાગ ચોકના સીટી બસ સ્ટેન્ડ પરથી તેને ઉતાવળે બસમાં ચડતા જોઈ અને પ્રસન્ન નું હ્રદય જાણે ગીચ ટ્રાફીક વચ્ચે થી માર માર સ્કુટર દોડાવી આટલે પહોંચ્યા પછી પણ પ્રસંગ ચૂકી ગયા ના આઘાતમાં ધડકન ચૂક્યા ની સહજ અનૂભૂતિ બાદ ફરી જાતને સંભાળી પોતે સ્કુટર ને વધુ ગતિથી બસની સાથે કરવા મથી રહ્યો.
તેનું બારીએથી પોતાના તરફ ધ્યાન પડે તો કૈંક સંજ્ઞાથી પણ કહેવા - સમજાવવાનો પ્રયત્ન કરવા મથ્યો મચ્યો પણ બધું વ્યર્થ રહ્યું. શહેરી યાતાયાતના કોલાહલમાં સ્ફૂર્ણા કૈ દિશાએ ગયાનું ધ્યાન ચૂક્યો પ્રસન્ન ભીડમાં ભ્રમિત અવસ્થામાં જ ભમતો રહ્યો.
વર્ષોના વાણા વાયા છતાં અંદરથી વ્યથીત વિરહી પ્રસન્નતાનો અંચડો ઓઢી સતત પ્રવૃત્તિમય રહેતો પ્રસન્ન એ મંગલબાગ ચોકના રસ્તે પસાર થતી રુટ નં.૭ ની સીટી બસ ને ઉત્સુકતાથી નિહાળતો અને તેની આંખોના માધ્યમથી હ્રદય અવ્યક્ત રીતે બારીમાં એ પરિચિત ચહેરાની ઝલક થકી આહ્લાદકતા ઝંખતું ઝાંખું પાંખું પડતું ગુમસુમ કોઈ અન્ય પ્રવૃત્તિ માં પરોવાઈ જતું ક્યાં કોઈ ને ધ્યાનમાં આવતું.
--મનોજ શુક્લ.
(૨૯-૭-૨૦૨૦)
-----