પરિવર્તન એ સંસારનો નિયમ છે. પરંતુ શું પરિવર્તન આપણને ગમે છે? મુશ્કેલ છે પરિવર્તનને સ્વીકારવું. અગાઉથી ખબર હોય કે આ રીતે કોઈક બદલાવ થવાનો છે તો કદાચ એને સ્વીકારવા માટે માનસિક રીતે તૈયાર થઈ જઈએ. અચાનક જ જો કોઈ ફેરફાર સ્વીકારવાનો આવે તો એ મુશ્કેલ થઈ પડે છે.
આજના આ સ્પર્ધાત્મક યુગમાં જો રોજેરોજ કંઈક નવું ન કરીએ તો પોતાને સ્પર્ધામાં ટકાવી રાખવું મુશ્કેલ છે. કહેવાય છે ને કે શિક્ષક જો પોતાને દરરોજ કંઈક અલગ રીતે વર્ગમાં રજુ ન કરે તો વિદ્યાર્થીઓ કંટાળી જાય છે, પછી શિક્ષક અને વિદ્યાર્થી બન્ને માટે એ તાસ પૂરો કરવો મુશ્કેલ બને છે.
રોજ ઉગતો દિવસ તમારુ પોતાનું જ એક નવું સ્વરુપ માંગે છે, જો તમે બદલવા તૈયાર નથી તો સમાજ હોય કે કાર્યસ્થળ ટકવું મુશ્કેલ છે.
જેવી રીતે પરીક્ષાની તૈયારી કરવામાં આળસ કરનાર માટે પરીક્ષા પાસ કરવી મુશ્કેલ છે એવી જ રીતે અધૂરી જાણકારી સાથે વાદ વિવાદમાં ઉતરવું મુશ્કેલ સાબિત થઈ શકે છે.
આપણાં સમાજમાં ઘણાં લોકો એવા છે કે જે અધૂરી વાતો કરીને બે વ્યક્તિઓને લડાવે છે. આવા લોકો ઓળખવા મુશ્કેલ હોય છે. તેઓ આપણી પાસેથી સારો વ્યવહાર કરીને બધી વાતોની જાણકારી મેળવી લે છે અને પછી બીજા લોકોને એ જ વાતથી મનોરંજન કરાવે છે, જે અંતે આપણાં ઘરમાં ઝગડાનું કારણ બને છે.
અડગ મનનાં માનવી માટે મુશ્કેલ કંઈ પણ હોતું જ નથી. કોઈ પણ કાર્ય કરવામાં મુશ્કેલી તો આવવાની જ છે, પણ એ મુસીબતોનો સામનો હિંમતથી જે કરી શકે તે જ સફળતા મેળવે છે, બાકી બધા માટે કાર્ય ખૂબ જ મુશ્કેલ બની જાય છે.
#મુશ્કેલ