કંઈ પણ સંઘરવું એણે જ પડે છે જેને ડર છે કે વસ્તુ ફરી નહીં મળશે તો? પણ એ ભૂલી જાય છે કે એ સંઘરે છે એની સામે જેને ખરેખર જરુર છે એ લોકો આ વસ્તુથી વંચિત રહી જાય છે. સંગ્રહ કરવાની આદત જાહેરમાં વસ્તુની અછત ઊભી કરે છે જે સરવાળે મોંઘવારીનું કારણ બને છે.
આજે કેટલાયે પશુ પક્ષીઓની પ્રજાતિઓ એવી છે જે ક્યાં તો લુપ્ત થઈ ગઈ છે અને ક્યાં તો લુપ્ત થવાની અણી પર છે. સંઘરવું જ હોય તો એવું સ્થળ સંઘરો જયાં આવી પ્રજાતિઓ બચાવી શકાય. એમને અનુકૂળ વાતાવરણ ઊભું કરી શકાય. લુપ્ત થતી વસ્તુઓને સંઘરવું અને એની વૃદ્ધિ થાય એવા પ્રયત્નો કરવા એ ખોટું નથી. જે વસ્તુ સહેલાઈથી મળે એમ હોય એને સંઘરવું એ યોગ્ય નથી.
સંઘરવું હોય તો એવી વનસ્પતિઓ સંઘરો જે માનવજાતિ માટે ઉપયોગી છે. એનો નાશ થતો અટકાવો. સંઘરવું હોય તો આપણી સંસ્કૃતિ સંઘરો. એનો ફેલાવો કરો. ક્યાંક એવું ન બને કે આવનારી પેઢીને એ બાબતે કંઈ ખબર જ ન હોય. જ્ઞાનીઓનુ જ્ઞાન, સંતોનો ઉપદેશ, વડીલોની સલાહ, મિત્રોનો સુઝાવ - સંઘરવું હોય તો આ સંઘરો.
કોઈકના માટે વેરની ભાવનાને સંઘરવું એ આપણને પણ બોજારૂપ લાગે અને સામેવાળી વ્યક્તિને પણ.
#સંઘરવું