*લગ્ન અંગેની હાસ્ય ગદ્ય રચના*
✌🥳🙏🥳.✌
લગ્ન કરીને હસ્યા કે ફસ્યા ?!
એ બહુ ઊંડાણ પૂર્વક વિચાર કરવા જેવો
માર્મિક પ્રશ્ન છે.
આપણે બધા ,જે પણ પરણિત હશે એ આ વ્યથાની કથા વગર વ્યાસપીઠ પર બિરાજમાન થયે અભૂતપૂર્વક રીતે કરી શકે.એમાં તો કોઈજ બેમત નથી.
કહેવાનો મતલબ એ છે કે બધાયને આ લાડુ ભલે લાકડાંનો હોય તો પણ ખાવો તો હોય જ..!
પણ હાલના ડિજીટલ સમયમાં લાકડાનાં લાડવા કરતાં મને શ્રીફળની સાથે સરખામણી એકદમ બંધબેસતી લાગે છે. શ્રીફળની જેમ પહેલા બહારની કાચલી છોલવાની હોય ,એની અંદર કઠણ કોચલું હોય, એ તોડો પછી નરમ સફેદ કોપરું નીકળે અને નસીબ સારું હોય તો મીઠુંમધુરું પાણી ય લટકામાં.
લગનનું ય ડિટ્ટો એવું જ.
લગ્ન પહેલા જોરદાર ફિલ્ડીંગ બેય પક્ષે ભરાય,મહેનત કરી કરીને બહારના છોડા રુપી આવરણો છોલાય,એમાંય ઘણી મહેનતથી દેખાડાઓ કરવામાં મહારત હાંશિલ કરાતી હોય.
એ દેખાડાઓ ક્યારે પછી ધીરે ધીરે અખાડામાં ફેરવાઈ જાય ,અફડાતફડીને તડાફડી ય થાય,પાછું આ બધું એ બંને બાજુની પરિસ્થિતિ પર નિર્ભર કરે .
મહામહેનતે છોલાયેલ આવરણરુપી છોડા નીકળે પછી જ કાંચલી દેખાય.એ કાંચલીને બિચારીને સમયરુપી ફટકાઓ મારીને તોડે ને એમાં થી નસીબ સંજોગ અનુકુળ હોય તો સરસ મઝાની લગ્ન સંબંધની મીઠડી શરૂઆત થાય.નવા નવા સપનાઓ જોવાય. શ્રીફળના મીઠા પાણી સરીખા યુગલત્વના નવા સમીકરણો આરંભાય.
કહેવાય છે ને
*નવું નવું નવ દા'ડા.*
થોડા દિવસોમાં બંને બાજુના પોત પ્રકાશમાન અને દૈદિપ્યમાન થવાનાં ચાલું થવા માંડે.એય ને પછી આઘાત ને પ્રત્યાઘાતનો અવિરત ને નિરંતર દોર આરંભાય .
લગ્ન પહેલાં ની અધીરાઈને ઈશ્વર અખુટ ને અપ્રતિમ ધીરજમાં તબદિલ કરી નાંખે.
બધું જ ઓટોનોમસ અને સાર્વજનિક થવા માંડે. બાળકોના વધામણાં દેવાય,નવી સમસ્યાઓ ફરીથી નવા રંગરુપ બદલીને આવે.તોય પણ આવા ચહેકતા,મહેકતા,
ગહેકતા લગ્ન સંબંધની મીઠડી લાગતી વાતો આપણને સાંભળવી અને વાંચવી ય ગમે,કારણ આપણે એમાં ખુદ જીવાતાં હોય ને એવી અનુભૂતિ થાય,બધી પોતિકી માહિતી લાગે.એમાં કાઈ નવું નથી હોતું,ભગવાન ફક્ત સમય,સંજોગો , સ્થળ અને વ્યક્તિ ઓની જ હેરાફેરી કરે છે.બાકી તો પેઢીયોથી લગ્ન સંસ્થાઓ *એકોહંમ અદ્વિતીયંકમ* ના સુત્ર ને ધ્યાનમાં રાખીને ચાલે છે અને હજું પરાપુર્વ ચાલશે જ .એમાં કોઈ જ મીનમેખ નથી.
છતાંય પણ,હું એટલું જરૂર કહીશ કે,
*લગન એટલે વગર ગનથી એકમેકમાં લીન થવાની આવડત*.
*લગન એટલે વગર શિક્ષકે ઘણું બધું લર્ન કરવાની આવડત.*
*લગન એટલે જેમાં એકમેકના ભરોસે અને સહારે પસાર કરાતી અંધારી ટનલ*.
*લગન એટલે હાસ્ય ને કરુણ રસનું ખટમીઠું સંયોજન.*
✌🏻👍🏻🙏🏻👍🏻✌🏻
ૠતંભરા વિશ્વજીત
*ૠત્વિશ્વ*