#કંઈપણ
#सफ़ाईkarteहोna ?
વોશ બેસિન
આપણા ઘરનો એક અગત્યનો હિસ્સો, પણ ખાસ ઉલ્લેખમાં આવતો નથી.
વોશ બેસિન કે સિંક એટલે એવું પાત્ર જેની સામે ઊભા રહીને દિવસ શરૂ કરીએ છીએ.જયાં આપણે હાથ, નાક, આંખ, મોં અને વાસણ ધોઈ શકીએ. દરરોજ કોગળા અને ક્યારેક ઊલટી પણ કરીએ તો ક્યારેક ડગમગતા પગે તેનો સહારો પણ લઈએ. એ આપણો ઊભા રહેવાનો બાંકડો છે. પ્રિયને મળીને આવીએ ત્યારે જલ્દીથી હાથ ધોવાના બહાને વોશ બેસિન પાસે જઈ ઉપર લગાવેલા અરીસામાં મોઢું જોઈને તેના ટેકે જ તો રાજી થઈએ છીએ.
જાહેરમાં જેટલી પણ ગંદકી સાફ કરી શકાય કે પછી વહેતી આંખ અને વહેતા નાકને લોકોથી છૂપાવવા માટે વોશ બેસિન એટલે હાજર સો હથિયાર.
કેટકેટલું ઝીલે છે એ ? આપણી ગંદકી, આનંદ, દુઃખ અને રોમાંચ. જાણે ઘરની અંદર જ આપણને શુદ્ધ કરતી ગંગા! ઝરણા રૂપી નળમાંથી શરૂ થતી નદી આપણને શુદ્ધ કરી ડ્રેનેજના દરિયામાં મળી જાય.અને એ નદીનો કાંઠો પાછો પ્લાસ્ટિકના વાયરનો એક કુચ્ચો ફેરવી દઈએ એટલે ચોખ્ખો.
પણ તેમ છતાં કેટલી ઉપેક્ષા? ક્યાંક ઘરની અંદર રહેવાનું ક્યાંક ફળિયામાં. ક્યારેક અરીસા સાથે, ક્યારેક એમ જ. ક્યાંક ડિઝાઇનર દેખાવ બાકી એકધારુ પથ્થરનું ડિલ.
આપણા જીવનમાં આ વોશ બેસિન જેવા ઘણા પાત્રો આવે છે જે આપણા મગજમાં ભરેલો કચરો ઝીલ્યા કરે છે.
કોઇ કારણ વગર આપણા tentrum સહન કરતી મમ્મી, આપણું ચીડિયાપણું કોઇ ફરિયાદ વગર સંભાળી લેતો ઑફિસ બોય, આપણા બોસના ગુસ્સાનો ભોગ બનતા બાળકો, જેના ફોનનો જવાબ આપવામાં આલ આવે એવા મિત્રોની પાસેથી દર બે-ત્રણ મહિને આખર તારીખમાં લેવાતી અઠવાડિયાની વ્યાજ વગરની લૉન. લગભગ આ બધાની ભલમનસાઇની આપણે ઉપેક્ષા કરીએ છીએ અને તો ય બધા આપણા માટે હંમેંશા તૈયાર રહે છે, કાંઠો સાફ કર્યો કે નહી તેની પરવાહ કર્યા વગર!
ક્યારેય વિચાર્યું છે કે જાણ્યે-અજાણ્યે આપણા સ્વભાવનો કચરો ઠાલવ્યા જ કરીશું અને ક્યારેક આ સંબંધોની લાઇન ચોક અપ થઇ જશે તો? શું એક પ્લાસ્ટિકનો કુચ્ચો ફેરવવાની પણ દરકાર ન લઇ શકીએ? અને શું આપણે ક્યારેક કોઇ બીજા માટે વોશ બેસિન બની શકીશું ? જે આપણને મલીનતા દૂર કરવાની તક આપે છે, તેને નિર્મળ કરતા રહેવું પડે, બરાબર ને?
જો જો, આ લાઇન ચોક અપ ન થાય.
show stopper:
એક વોશ બેસિન મનમાં પણ રાખવું.
©લીના પ્રતીશ