#दिनभर
સાંકડીયું શેરીમાં ,
ફાટે ક્યાં પ્હોં?
કૂકડો યે બોલીને
સંભારે હોં!
ઊંધરેટી આંખ્યુંમાં
આછેરૂ વ્હાલ,
શામળિયા ભાળ્યો
મેઁ ચડતો રે પ્હોર!!
બળતી બપોર છે
કે વાયદાની કોર?
ધગધગતી આંતેડી
અધમણિયે તોર!
કળશામાં પાણીડા
તગતગતા રયા,
ખડકીએ ખાલીપો
નવો નક્કોર.
સાંજની વેળાયુંએ,
વળતા ગ્યા ઢોર.
ઝાંખેરા અંધારે
ટમટમતા કોડ!
અણગમતા, મનગમતા,
છાના ને છપના;
સીમડીયે સંતાણા
વંઠેલા છોર.
રાત્યુંના ટાણાએ,
ટાઢેરુ ખોળ.
અડધેરા કડછાએ,
ભૂખડીયુ જોર.
રુડી 'ને રવજીને
ઝાઝેરી પ્રીત!
પૂંછડીયે ભાગે રે,
જીવતરના ઘોર...
© લીના પ્રતીશ