અવરોધ - આ તો પ્રગતિનું સૌથી પહેલું પગથિયું છે. જેનાં જીવનમાં અવરોધ આવે છે ને સમજી લો કે સાચા રસ્તે જઈ રહ્યા છો. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે જો તમે આગળ વધી રહ્યા હો અને કોઈ જ તકલીફ નથી પડતી તો તમે ખોટા રસ્તે છો. અવરોધો જ તો માનવીને ઘડે છે.
હમણાં લોક ડાઉન દરમિયાન એક લેખ ખૂબ પ્રસિધ્ધ થયો હતો. એક ખૂબ મોટો બિઝનેસમેન પોતાના કુટુંબના તમામ સભ્યો સાથે સામુહિક આત્મહત્યા કરે છે. એ પોતે ભણવામાં હંમેશા પ્રથમ રહ્યો. બિઝનેસ, પોતાનો, શરુ કર્યો ત્યારથી ક્યારેય પાછું વળીને જોયું નથી. પત્ની અને બાળકો પણ ખૂબ જ સમજદાર. તે છતાં પણ તેણે આ પગલું ભર્યું. કારણ, એ મહિને એને પોતાના બિઝનેસમાં થોડી ખોટ ગઈ હતી. જો આ વ્યક્તિના જીવનમાં શરૂઆતમાં જ થોડો અવરોધ આવી ગયો હોત ને તો એને ખબર પડતે કે મુસીબતો તો આવ્યા કરે, આપણે એમાંથી બહાર નીકળી જઈશું.
માટે જ કહું છું અવરોધો એ પ્રગતિનું પ્રથમ પગથિયું છે.
શાળાના વર્ગમાં પ્રથમ આવનાર વિદ્યાર્થી કરતાં નબળા વિદ્યાર્થી પાસે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા વધુ સારી હોય છે. એણે અવરોધોનો સામનો કર્યો હોય છે. એને ખબર જ છે કે એક નહીં તો બીજા કોઈને કોઈ રસ્તા પર હું પહોચી જ જઈશ.
લોકો તમારી ઉપર ઘણાં પથ્થરો મારશે. હવે તમારે નક્કી કરવાનું છે કે એને અવરોધ ગણવો કે એનું પગથિયું બનાવીને આગળ વધવું. આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે 'હાથી પાછળ કૂતરા ઘણાં ભસે'. તો પણ હાથી તો મસ્ત થઈને જતો હોય છે. બસ આવી જ રીતે અવરોધોને અવગણવા અને એમાંથી જ કંઈક શીખીને પ્રગતિના રસ્તે આગળ વધવું. એક છોડ કે ઝાડને જોજો, જ્યાંથી એને કાપો છો ત્યાંથી જ ફરીથી ઊગે છે. એ અવરોધ સામે લડીને પોતની પ્રગતિ કરી જ લે છે.
જીવનમાં આવતી દરેક વ્યક્તિ કંઈ મદદ કરવા માટે નથી હોતી, કેટલીક વ્યક્તિ માત્ર અવરોધો ઊભા કરવા જ જન્મ લેતી હોય છે. એમની સાથે એમનાં જેવા થવાને બદલે એમણે ઊભા કરેલા અવરોધમાંથી નવો રસ્તો શોધી લો. એ વ્યક્તિ ચકિત થઈ જશે તમારા જુસ્સાથી. કહેવાય છે ને કે જીવનમાં આવતા તમામ વાવાઝોડા નુકસાન નથી કરતા, કેટલાંક આપણો રસ્તો સાફ કરવા માટે પણ આવતા હોય છે.
વ્યક્તિ વ્યક્તિ પર આધાર છે કે એ અવરોધને કેવી રીતે લે છે. શકય હોય તો હકારાત્મક જ રહેવું જોઈએ.
#અવરોધ