આપણે તો સુરક્ષિત છીએ ને......
દુનિયા આખી ભલે ભડકે બળે પણ આપણે અને આપણા સગા-વ્હાલા તો સુરક્ષિત છીએ ને? આપણી પરિસ્થિતિ અત્યારે એ છે કે એક હોડી પર જો ચાર વ્યક્તિ બેઠા હોય અને જો એ હોડી પર એક બાજુથી કાણું પડ્યું હોય તો ફક્ત બે જણા જે એ બાજુ બેઠા હોય એ જીવની બાજી લગાવી દેશે હોડીમાંથી પાણી નીકાળવા અને બીજી બાજુ બેઠેલા બે વ્યક્તિ એમ વિચારી બેસી રહેશે કે "અમારી બાજુ ક્યાં કાણું છે? ડૂબશે તો એ લોકો ડૂબશે!" બસ આપણી પરિસ્થિતિ પણ હાલ આવી જ છે. ચીનમાંથી એક વાઇરસ ફેલાવાની શરૂઆત થઈ અને આપણે એમ સમજી બેસી રહ્યા કે "આપણે ત્યાં ક્યાં વાઇરસ ફેલાયો છે? આપણે તો બસ મોજ કરો"
આ લખી રહી છું ત્યાં સુધીમાં 2019 ના અંતમાં બ્રાઝીલ વર્ષાવનના જંગલો, 2020 જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના જંગલો, ફેબ્રુઆરીમાં વિશ્વયુદ્ધ 3 અને માર્ચમાં કોરોના વાઇરસના ભણકારા આપણા માટે મૃત્યુની ઘંટડી વગાડી ચુક્યા છે. એટલું ઓછું હોય એમ હજુ પણ આપણે આપણી આદતોથી અજાણ છીએ.
સોશિયલ મીડિયા પર 'કોરોના વેકેશન'ના નામે જે મજાક બની રહ્યા છે અને એ ઉપર જે જોક્સ બને છે એમા આપણો સહકાર છે. અને આ 'કોરોના વેકેશન'ની ભરપૂર મજા માણવા ગલ્લે, મોલ, થિયેટર, ગલી ક્રિકેટ માટેના આયોજન બનાવી રહ્યા છીએ. જે વેકેશન કોઈને ચેપ ન લાગે એ માટે આપવામાં આવ્યું છે તેમા આપણે જાણી-જોઈને મળવાના પ્રસંગ ઉભા કરીએ છીએ.
ક્યાં તો ચાઇનાના વુહાન શહેરમાંથી ફેલાયેલા એક વાઇરસને લીધે દુનિયાના બીજા ખૂણે બેઠેલી કોઈ વ્યક્તિ કાલે જો ખાણી-પીણીની વસ્તુ બંધ થઈ જશે તો એ અને એનો પરિવાર શુ ખાશે? એની ચિંતામાં પડ્યો છે. નોકરિયાત વર્ગ મહિનાની શરૂઆતમાં પગાર થાય તો કઈ રીતે અત્યારે ઘરનો સામાન લેવો એની ચિંતામાં છે અને બીજી બાજુ રોજ કમાઈને ખાનાર વર્ગ પોતાને કેવા દિવસોનો સામનો કરવો પડશે? એની ચિંતામાં છે.
યુદ્ધના ડરના કારણે અને મહાસત્તાના બનવા માટે દરેક દેશ પોતાની શસ્ત્રોની, પરમાણુ અને ન્યૂક્લિયર વેપન, જૈવિક હથિયાર અને ટેકનોલોજીને પ્રાધાન્ય આપી રહ્યો છે. અને આખી દુનિયા આંખો બંધ કરી એક એવા ભવિષ્ય તરફ જઈ રહી છે જ્યાં અંધકાર સિવાય બીજું કાંઈ જ નથી.
માનવી મશીન બની ગયો અને માનવતા બતાવવા માટે કિંમત મેળવવા લાગ્યો એ પરિસ્થિતિ વર્તમાનની છે.
પણ આપણે તો સુરક્ષિત છીએ ને??????