લોંગ ઇલાયચી કા બીડા લગાયા
૧-૧-૨૦૨૧
શુક્રવાર
સૌરાષ્ટ્રના રંગીલા શહેર રાજકોટની ઊઘડતી સવાર. યુવાનો હવે સવારમાં વરિયાળીનો મુખવાસ મમળાવી રહ્યા છે. અગરબત્તીની ધુમ્રસેર નિહાળીને તેઓને છ મહિના પહેલા ફૂંકાતી સિગારેટનો ધુમાડો યાદ આવી રહ્યો છે. પ્રોહિબીશન એક્ટ માત્ર દારુમાં જ લાગુ પડે તેવો ભ્રમ ભાંગી ગયાને દિવસો વિતી ગયાં છે.પાનની દુકાનો છે પરંતુ ત્યાં હવે નાગરવેલના પાનમાં લવિંગ એલચી જ નાંખવામા આવે છે.પોલીસ તંત્રની કડકાઇયુક્ત શુભભાવનાને કારણે શરીરના અન્ય અવયવોને લાલ થતાં બચાવવા લોકોએ હોઠ લાલ કરવાનો શોખ કહો કે વ્યસન છોડી દીધું છે. રંગીલું રાજકોટ તેની રંગત ગુમાવી ચુક્યુ છે. રાજકોટની રંગીનીયત તેના રસ્તાઓ પરની પાનની પીચકારીઓને કારણે હતી તે સત્ય સમજાયું છે. અમુક લોકો તેને રંગીનીયતનો રહસ્યસ્ફોટ ગણાવે છે. તો અમુક લોકો તેઓની નિયત પર શક પણ કરે છે. ગુજરાતની દારુબંધી જેવી પ્રખ્યાત છે તેવી ખ્યાતી હજુ માવાબંધીને પ્રાપ્ત થઇ નથી. આ બંધી હજુ બાલ્યાવસ્થામાં હોય તેની માસુમિયત બરકરાર છે. પીધેલાઓને પોલીસનો જેટલો ડર લાગતો ન હતો કે લાગતો નથી તેટલો ડર માવો કે પાન ખાધેલાંને લાગે છે.પીધેલા તો પકડવામાં આવે અને મોઢું સુંઘવામાં આવે તો જ ખબર પડે કે પીધેલો છે. પણ માવો ખાધેલાંના ગલોફા જ અંદાજે બયાં કરી દેતા હોય ભય ભયંકર છે. પહેલાં તો પાન માવો ખાવાના કારણે મોં જ ફાટે છે તેવું માનતા વ્યસનીઓને સત્ય સમજાયું છે. એટલે તો હવે તેઓની ફેં ફાટે છે. કરિયાણાની દુકાને પૂજા માટે સોપારી ખરીદતા હાથ ધ્રુજે છે.ચરોત્તરમાં તમાકુનો પાક બારેમાસ લહેરાતો હોવાનું જાણીને યુવાનો જીવ બાળે છે. પણ લંકાએ સોનું શું કામનું? ઘણા તો એવું પુછે છે કે તમાકુ ખાવા ન દેવી હોય તો તેની ખેતી શું પશુચારા માટે કરવા દેવામાં આવે છે? પણ આવા લોકોને કહીએ કે તમાકુનો ચારો તો ગધેડાં પણ નથી ખાતાં તો સાલ્લા સામું ચોપડાવે કે ગધેડા હોય તે તમાકુ ન ખાય. હવે આવા ખાર ખાધેલાંને સમજાવવા એટલે તુફાન જાફરાનો આફરો ચઢાવવા જેવું જોખમી કહેવાય.પાનના ગલ્લા પર ભીડ ઘટતા રાષ્ટ્રીય સમસ્યાનો હલ સૂચવતો સમૂહ વિખરાયો છે.દેશને એ મોટી ખોટ છે. તો ક્રિકેટર્સને કઇ રીતે રમવું જોઇએ તે અંગેના મહત્વના સૂચનોની અતિમહત્વની પ્રક્રિયા નામશેષ થવાના આરે છે.ડોન અને સિલસિલા ફિલ્મમાં મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચને પાનના ગુણગાન ગાયેલાં, તિસરી કસમ ચિત્રપટમાં ગ્રેટ શો મેન રાજકપુર સામે વહિદાજીએ સાંવલી સુરતીયા હોઠ લાલ લાલ ગાયેલું તે બધુંજ મહત્વ દરકિનાર થઇ ગયું છે.ગોર મહારાજોને પણ હવે લગ્નની ‘સોપારી ‘અપાતી નથી. તમાકુના ડબ્બા અને સિગારેટના ખોખા પર કેન્સરયુકત ચહેરાથી ન ડરતા લોકોના કલ્પનાચિત્રમાં એ જગ્યાએ હવે પોલીસના ચહેરા દેખાય છે. એક અવળચંડાઈ પાછું એવું પૂછ્યું હતું કે પકડાયેલા માવા ગુટકાનું પોલીસ શું કરતી હશે? તેને તો મોઢામોઢ ચોપડાવી દીધું કે કાં આજ સુધી ડ્રાય સ્ટેજમાં દરરોજ દારુ પકડાય છે ત્યારે કોઇ દિવસ પૂછ્યું હતું? સાલ્લા ગુટકા માવા જેવી મામુલી બાબતમાં કેમ જીવ નાંખે છે? પણ એક વાત તો છે જ કે રાજકોટથી જે થાય તે રુડું જ થાય છે.રાજકોટ કશું નવું કરવામાં સદા અગ્રેસર રહ્યું છે ત્યારે હાલ તેની મહામુલી રંગીનીયતના ભોગે પાનને વર્જ્ય ગણી સમાજમાં દાખલો બેસાડી રહ્યું છે.બીડું ઝડપવાની પ્રકૃતિ હોવા છતાં ‘પાન બીડું ‘ન ઝડપવાનું બીડું રાજકોટ ઝડપી ચુક્યુ છે. BJ