ધાબા વગરનાં ઘરમાં દાદરાનો અર્થ,
એવો જ થાય છે વિટંબણાંનો અર્થ.
એવાં શુકન થયાં છે કે શું કહું તમને!
પામી ગયો છું હું ઓવારણાંનો અર્થ.
બીજાનું શું કહું મારી જ આંખોને,
સાચો ખબર નથી ઉજાગરાનો અર્થ.
એવો નથી થતો જેવો તમે સમજ્યાં,
સામેના બાગમાં ભેગા થવાનો અર્થ.
સંભારણાંની મારામાં અસર રહી ગઈ,
એવો કરી લીધો પાગલપણાંનો અર્થ.
આવીને પાનખર એની પરીક્ષા લે!
પૂછે છે ઝાડવાંને પાંદડાંનો અર્થ.
ક્યારેક એવી ચિંતા થાય છે મનમાં,
જાણી ન જાય કોઈ છૂંદણાંનો અર્થ.