માણસો
આના પર કેટલું બધું લખાયું છે, બોલાયું છે, અને એને અનુભવ્યા પણ છે.શબ્દોના પૂજારી જેટલું માણસ વિશે લખી શકે એટલું જ એક અભણ માણસ એમના પર બોલી શકે.જીવનભર એ ના ઉકેલાતો કોયડો છે,ઈશ્વર એ દરેકને જુદા સ્વભાવથી ઘડ્યો છે, જુદા રંગો થી ભર્યો છે, જુદા તોલ માપથી એમનામાં લાગણીઓ પરોસી છે,અને જુદા જ ગણિતથી એને સારા અને ખરાબ બન્ને અનુભવોથી સિંચ્યો છે.પુસ્તકિયા કીડા દરેક માણસ ને એક લેવલ પર એમના વિશે ન્યાય કરી લે,અને એ હું માનું છું ત્યાં સુધી એ ન્યાય ખોટો સાબિત થાય છે.માણસ એના સ્વભાવ અને હાવભાવ પરથી પરખાઈ જતો હોય એવું હું ઓછું માનું છું. વિજ્ઞાન ઝડપી બન્યું હશે પણ માણસ ને પારખવા અને ઓળખવાની માટે આજે પણ મશીન નહિ બીજો માણસ જ જોઈએ.કુદરત એ માણસ બનાવી ને ભૂલ નહીં કરી હોય પણ ઘણી વાર આપણે જાતે માણસ ના બનીને ભૂલો કરી છે.જન્મ સાથે ગળથૂથી માં સંસ્કારો મળે કે ના મળે પણ માણસ બનતા શીખવાની કોઈ એક રીત મળવી જોઈએ.અનુભવો પરથી તો એટલું ચોક્કસ કહી શકાય કે ચળકતું બધું સોનું ના હોય અને કટાઇ ગયેલું બધું લોઢું ન હોઈ.ઝગમગાટ પારકો હોય ત્યારે સમય પૂરતો પ્રકાશ આપતો હોય તો એ સ્વીકારવા કરતા જીવનભર પોતાનું હોય એવું અંધારું સ્વીકારી લેવું.સમય ની સદી અને દસકાની કિંમત કરતાં ઘણીવાર ચડાઉ માણસાઈમાં થાપ ખાય જવાઈ છે.
પલ્લવી જોશી