ગઝલ...
દર્દ દિલનું આજ મારાથી મિટાવાયું નહીં
આંખ રોવા ચાહતી 'તી તો ય રોવાયું નહીં
ચાલતા રસ્તે અમારા પગ ઘસાઈ તો ગયા
પાટિયું મંઝીલનું દેખાયું તોંય પ્હોચાયું નહીં
તેં ભલે ખોટું કર્યું મારા હૃદયમાં કૈ નથી
જો થયું ખોટું તમારું તોંય જોવાયું નહીં
ના હતી કોઈ કમી મુજ જિંદગીમાં તે છતાં
પ્રેમથી આ જિંદગીને કેમ જીવાયું નહીં
શું કહું પૈસેટકે કોઈ કમી તો ના હતી
તે છતાંયે જિંદગીમાં સુખ ખરીદાયું નહીં
વિશ્વભરના છે ઉકેલ્યા સૌ સવાલો મેં અહીં
તે છતાંયે જિંદગીનું મૂળ સમજાયું નહીં
વિશ્વના બાગો મહીં ફૂલો બધા સૂકા થયા
પ્રેમ રૂપી ફૂલ ‘સૂફી’ કેમ કરમાયું નહીં ?
- ફારૂક શેખ પેરા વાળા ‘સૂફી’