બસ, તમારી હામાં હા રાખી હતી!
ક્યારે દુનિયાની તમા રાખી હતી?
દર્દ મળવાનું હતું સંબંધમાં,
એમ સમજીને દવા રાખી હતી.
એમણે ઉમ્મીદ ઉધારી દીધી!
આપણે ધીરજ જમા રાખી હતી.
હોઠ ઉપર સ્મિત છો પ્હેરી લીધું!
આખમાં તો યે વ્યથા રાખી હતી.
એક દીવો એટલે બળતો રહ્યો,
શ્વાસના નામે હવા રાખી હતી.
આજીવન એ એકલો જીવ્યો હતો,
માનમાં જેના સભા રાખી હતી.
: હિમલ પંડ્યા