વિકલ્પ...... ( માઈક્રોફિકશન)
કિંજલની સગાઈ તુટી ગયે આજે છ મહિના વિતી ગયાં હતાં. છતાં તે જુની યાદોમાંથી હજી સુધી બહાર આવી શકી નહોતી.
કિંજલની આવી દશા જોઈને તેની માતાએ કહ્યું કે "બેટા, દુનિયા બહું મોટી છે તને આશિષ કરતાં પણ સારો છોકરો મળી જશે."
કિંજલે ભીની આંખે માઁ ની સામે જોયું અને કહ્યું કે "દુનિયામાં દરેક વ્યક્તિ અને વસ્તુના ઘણા વિકલ્પો હોય છે પણ જે વ્યક્તિએ દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી હોય એ જગ્યાને હજારો વિકલ્પોમાંથી પસંદ કરેલી વ્યક્તિ ફરીથી કયારેય બનાવી નથી શકતી."
મીનાબહેને પોતાની લાડકી દિકરીના માથે હાથ મુકીને કહ્યું કે તો શું તું આમને આમજ રોજ એની યાદોમાં મરતી રહીશ?
કિંજલે કહ્યું કે હું રોજે રોજ નહી મરું, ફકત આજનો જ દિવસ. આટલું બોલીને એ પોતાના રુમમાં સુવા માટે ચાલી ગઈ.
સૂયોૅદય પહેલા ઉઠીને યોગ કરનારી કિંજલના રુમનો દરવાજો સવારના નવ વાગવા આવ્યાં છતાંય હજી સુધી ખુલ્યો નહોતો.
લેખન:- પિંકલ પરમાર "સખી"