મૂર્ખ જ રહેવા માંગુ છું જ્યારે વાત કોઈ પોતાનાને સામો જવાબ આપવાની આવે.
મૂર્ખ જ રહેવું છે જ્યારે પ્રેમથી કહેલા શબ્દો સાંભળવાના થાય અને તેનો અર્થ કાઢવાનો થાય.
મૂર્ખ જ રહેવું છે જ્યારે જે વાત લાગુ જ ન પડતી હોય અને મને કહેવામાં આવી હોય ત્યારે એને સમજવામાં.
મૂર્ખ જ રહેવું છે જ્યારે કોઈની ખોટી નિંદા કરવાની હોય.
મૂર્ખ જ રહેવું છે જ્યારે એમ કહેવામાં આવે કે તુ રહેવા દે તને સમજ નહીં પડે.
મૂર્ખ જ રહેવું છે જ્યારે કોઈ કંઈક ખોટું કરવાની પ્રેરણા આપે.
મૂર્ખ જ રહેવું છે જ્યારે લાગણીને ઠેસ પહોંચે અને જવાબ આપી શકાય છતા ન આપીને.
મૂર્ખ જ રહેવું છે જ્યારે કોઈ એકને સાચવતા બીજાનું મન દુભાય.
ઘણી વાર એવું લાગે છે કે જીવનનો સાચો આનંદ એક સમજદાર વ્યક્તિ કરતા એક મૂર્ખ વ્યક્તિ વધુ સારી રીતે ઊઠાવી શકે છે. બહુ સમજદાર બનીને બધાને સાચવવા જવામાં પોતાની જાત સાથે ઘણો મોટો અન્યાય થઈ જાય છે અને ખુશ રહેવાનું પણ નથી મળતું. આના કરતાં મૂર્ખ રહીએ તો લોકો આપણને આપણી રીતે જીવવા પર તો છોડી દે. કોઈ દખલગીરી નહીં.
સમજદાર વ્યક્તિ મૂર્ખતાભર્યું કામ કરે તો બધા એને હસી નાંખે છે અને એ જ બાબત એક મૂર્ખ કરે તો એને નજરઅંદાજ કરે છે. તો નસીબદાર કોણ? અરે, કેટલી બધી વાર તો પ્રેમથી કરેલી વાતો કે વધુ પડતી લાગણીને પણ મૂર્ખામી તરીકે ગણી લેવામાં આવે છે. ક્યાંક વાંચેલું, 'એક મૂરખ ને એવી ટેવ, પત્થર દેખી પૂજે દેવ'. આમાં એની ભક્તિ કોઈને નથી દેખાતી.
સમજદારી અને મૂર્ખતા બન્ને અમુક સમયે પોતાની રીતે સાચા જ હોય છે, ક્યારેક સંબંધ સાચવતી વખતે તો ક્યારેક તોડી નાખતી વખતે. મૂર્ખ બનીને કામ કરશો તો પણ જે નિંદા કરવાનાં છે તે નિંદા જ કરશે અને સમજદાર બનશો તો પણ એ જ થશે. આપણે પોતે જ નક્કી કરવાનું છે કે ક્યાં આપણે મૂર્ખ બનવું અને ક્યાં સમજદાર. બાળકને સમજાવતી વખતે મૂર્ખ જ સારા અને મોટાને સમજાવતી વખતે સમજદાર.
#મૂર્ખ