મૂર્ખાઓનાં લક્ષણો :- ૧. સુખ આવે ત્યારે (પૂર્વકાળનાં) દુ:ખ ભૂલી જનાર મૂર્ખ છે – સુખની ઘડી આવતાં જે માણસ પોતે વેઠેલાં વીતકો તથા કષ્ટોની વાત ભૂલી જાય તે મૂર્ખ છે. કારણ કે પહેલાંની દુર્દશાનું ભાન ન રહેતાં માણસ અસાવધ બને છે. અને ફરી પાછલી સ્થિતિમાં જઈ પડવાનો તેને ભય રહે છે. ૨. રસાયણો દ્વારા શરીરની રસ ધાતુનો નાશ કરનાર મૂર્ખ છે – રસાયણ જેવા જલદ ઓસડોનું સેવન કરી શરીરમાંના કુદરતી રસોનો નાશ કરનાર પણ મૂર્ખ છે. ૩. પોતાની મેળે પોતાની મોટાઈ માની લઈ અક્કડ રહેનાર મૂર્ખ છે- પોતાની જાતને ખૂબ ભારેખમ અને મોટા માણસ તરીકે માની, હંમેશા ફૂલ્યો ફરનાર મૂર્ખ છે. ૪. ક્રોધથી પોતાનો નાશ કરવા તૈયાર થનાર મૂર્ખ છે – ક્રોધના આવેશથી આત્મહત્યા કરવા તત્પર થનાર પણ મૂર્ખ જ ગણાય છે. ૫. હંમેશા નકામો જ્યાં ત્યાં ફર્યા કરનાર મૂર્ખ છે – કાંઈ પણ ખાસ પ્રવૃત્તિ વગર વંટોળિયાની માફક સુસવાટા ભેર અહીં તહીં ઘૂમ્યા કરનાર પણ મૂર્ખ છે. ૬. પોતાની પાસે ધન ઘણું જ ઓછું હોવા છતાં મોટા આડંબર કરે તે મૂર્ખ છે – પોતાની જૂજ આવક છતાં અથવા ‘ખીસું ખાલી ને ભપકો ભારી’ એમ ભારે ઠઠારો કરનાર અને ‘ખાલી ચણા ને વાગે ઘણા’ એ કહેવત પ્રમાણે મૂર્ખ જ કહેવાય. ૭. ‘હું પંડિત છું’ એમ ધારી લઈ નકામું બોલબોલ કરે તે મૂર્ખ છે – ‘મને બધી જ ખબર પડે’ એમ માની લઈ બકવાસ કરનાર અથવા પોતાના મોઢે જ પોતાની વિદ્વતા અને પંડિતાઈ ગાયા કરનાર મૂર્ખ કહેવાય છે. ૮. પોતાનાં વખાણથી જે ઘણો જ ફૂ્લાય જાય તે મૂર્ખ છે – કોઈ ખૂબ વખાણ કરે એટલે ફૂલીને ફાળકો બની જનાર તથા ખુશામતનાં ગીતોથી રીઝનારો મૂર્ખ છે. ૯. મશ્કરીનાં વચનોથી કોઈનાં મર્મસ્થાનો તોડનાર મૂર્ખ છે – હસવામાં કોઈનાં મર્મ ભેદાયએવી મશ્કરી કરનાર મૂર્ખ છે. સામો માણસ મશ્કરી ખમી શકે તેવો હોય, તો જ તેની મશ્કરી કે હાંસી કરવી ઠીક ગણાય. નહિ તો ‘હસવામાંથી ખસવું’ થઈ જાય છે. ૧૦. પોતાના ખર્ચની નોંધ રાખવામાં જે આળસ રાખે તે મૂર્ખ છે – પોતાની આવક તથા ખર્ચનો હિસાબ લખવામાં જે આળસ કરે છે, તે પરિણામે મૂર્ખ ઠરે છે. હિસાબની નોંધ રાખ્યા કરવાથી નોકરચાકર ચેતતા રહે છે. ચોરી કે ઉચાપત થતી ઘટે છે. નકામા ખર્ચ કરવાની વૃત્તિ ઉપર અંકુશ રહે છે.૧૧. મોબાઇલ ફોનને જીવનનું કેન્દ્રબિંદુ સમજનાર પણ મૂર્ખ છે – હંમેશા મોબાઇલ ફોનમાં રચ્યા પચ્યા રહી જીવનનો કિંમતી સમય વેડફનાર પણ મૂર્ખતા ગણાય. જોયા જાણ્યા વગર મેસેજ ફોર્વડ કરી, કાયદાની ચૂંગલમાં ફસાનાર પણ મૂર્ખ ગણાય. અટપટી અણઘડ સેલ્ફી લઈ ડીપીમાં દેખાડો કરી મૂર્ખતાનું પ્રદર્શન કરનાર મૂર્ખ જ ગણાય છે. ટેકનોલોજીનો સાચો અને સારો ઉપયોગ કરનાર જ ડાહ્યો ગણાય છે. સમયને વેડફવા કરતાં વાવવો જોઇએ. – ખ્યાતિ હિતેન સુવાગીયા. સંકલન-દિલીપ ઠાકર.
#મૂર્ખ