*ગુજરાતી કાવ્યોમાં વરસાદ*
🌈 ☔ 🌧
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
*- હરીન્દ્ર દવે*
🌈 ☔ 🌧
વેર્યા મે બીજ અહીં છુટ્ટે હાથે,
હવે વાદળ જાણે ને વસુંધરા.
*- મકરંદ દવે*
🌈 ☔ 🌧
ઝરમર વરસાદ તને આછી આછી ભીંજવે ને ભીનું ભીનું મલકાય,
હોઠો પર આવીને અટકેલું નામ પછી કાગળના કાળજે લખાય.
*- હિતેન આનંદપરા*
🌈 ☔ 🌧
વરસાદી ઘટનાઓ અવતરશે અંગ અંગ
બેઠો છે કેમ તું વેરાનમાં
સોળમું આ ચાલ્યું તે
સિસકારા મારે ને ,
આવ પ્રિયે આવ કહું સાનમાં
*-સંજય પંડયા*
🌈 ☔ 🌧
શક્યતા વરસાદમાં પલળી હતી
શક્યતાની બા ઘરે
વરસે હવે!
*-શોભિત દેસાઇ*
🌈 ☔ 🌧
આજ વાદળ એટલું વરસે તો બસ,
છ દશની ટ્રેન એ ચૂકે તો બસ.
*- બાલુભાઇ પટેલ*
🌈 ☔ 🌧
પાણીના ટીપે ઘાસમાં જઇએ, ચાલ, કોઇ પ્રવાસમાં જઇએ.
પહેલી વર્ષામાં એક થઇને પછી, માટીના ભીના શ્વાસમાં જઇએ.
*- શોભિત દેસાઇ*
🌈 ☔ 🌧
કેમ છોડું ગાંઠ આ ભીની ભીની ?
વાછટે બંધાણો છું વરસાદમાં.
*- હેમંત કારિયા*
🌈 ☔ 🌧
ચાલ વરસાદની મોસમ છે, વરસતા જઇએ;
ઝાંઝવા હો કે હો દરિયાવ, તરસતા જઇએ.
*- હરીન્દ્ર દવે*
🌈 ☔ 🌧
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે;
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે.
*- રમેશ પારેખ*
🌈 ☔ 🌧
આજે નથી જાવું કોઇને'ય કામ પર,
અલ્યા ધીંગા વરસાદ તારા નામ પર.
*- વેણીભાઇ પુરોહિત*
🌈☔🌧
વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે,
નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે.
*- તુષાર શુક્લ*
🌈 ☔ 🌧
અમે ઝળહળ, તમે સરભર થયા વરસાદમાં,
અમે પળ પળ, તમે અવસર થયા વરસાદમાં.
*- દિનેશ દેસાઈ*
🌈 ☔ 🌧
ખોતરે છે જન્મ ને જન્માંતરોની વેદના,
આ અષાઢી રાતનો વરસાદ પણ શું ચીજ છે.
*-મનોજ ખંડેરિયા*
🌈 ☔ 🌧
મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !
ઉપરથી લાગે છે કોરોધાકોર
એની ભીતર ઘેરાતું આકાશ,
આષાઢી અણસારો ઓળખતા આવડે તો
ચોમાસુ છલકે ચોપાસ.
*-તુષાર શુક્લ*
🌈☔🌧
સળગતા સૂર્યના વેરાન રણની વચ્ચોવચ,
તને સ્મરું અને વરસાદ ધોધમાર પડે.
*- આદિલ મન્સૂરી*
🌈 ☔ 🌧
તૂટી પડશે, ઓથાર છે,
બારે મેઘા તૈયાર છે.
હેલી આવી છે યાદની,
ને શ્રાવણ અનરાધાર છે.
*- દિનેશ દેસાઈ*
🌈 ☔ 🌧
બહુ વરસે એવું લાગ્યું, ચોમાસુ બેઠું;
તને'ય એવું લાગ્યું કે ચોમાસુ બેઠું?
*- તુષાર શુક્લ*
🌈 ☔ 🌧