ગુજરાતી હોવું અને ગુજરાતમાં જનમ લેવો એ તમારા માટે ગર્વ લેવા જેવી વાત ખરી કે નહીં? મારા માટે તો મોટી સ્માઇલ સાથે, “હોવે...મને ગર્વ છે, ખુશી છે ગુજરાતણ હોવા બદલ!" વાળી વાત છે.
હાલ ભલે તમે બીજા કોઈ શહેરમાં કે રાજ્યમાં નોકરી/ધંધો કરતા હોં, તમારા વતનના ગામથી ખૂબ દૂર થઈ ગયા હો, ભાગ્યે જ ફરી કોઈ વખત ત્યાં જવાનો મોકો મળતો હોય છતાં તમારું એ નાનકડું ગામ, તમારી શાળા, તમારા પાડોશીઓ, તમારા ગામનું તળાવ કે નદી, મંદિર વગેરે યાદ આવતા કેવું ફીલ થાય છે?
સૌથી પહેલી વાર જ્યાં તરતા શીખેલા એ જગ્યા યાદ આવતા ફરી ત્યાં પહોંચી જવાય છે? પહેલીવાર જ્યાં સાયકલ શીખતા પડી ગયેલા, ઢીંચણ છોલાઈ ગયેલો એ ગલી યાદ છે? તમારી શાળાનો પહેલો દિવસ કે તમારાથી નાના તમારા ભાઈ બહેન કે પાડોશીના કોઈક એવા વિરલા યાદ છે પહેલીવાર શાળાએ જતા રોજ રડતા હતા, ભાગી આવતા હતા... તમે પહેલીવાર ગૌરી વ્રત રાખેલું ત્યારે શું ખાધેલું? શું વિચારીને વ્રત રાખેલું? પહેલો પતંગ સફળતા પૂર્વક ચગાવેલો ત્યારે કોઈ યુધ્ધ જીતીને આવ્યા હો એવું લાગેલું કે નહિ? મિત્રોના ચહેરા પર પાક્કો રંગ લગાવતા કે કાદવ/ છાણ? રથયાત્રા, નવરાત્રી, ગણેશ મહોત્સવ, જન્માષ્ટમી ઉપર તમારા ગામમાં શું થતું પહેલા? હવે શું થાય છે? કોને જોઈને પહેલી વાર દિલ ધબકાર ચૂકી ગયેલું? કોને જોઈને એમ થયેલું કે, આ વ્યક્તિ ખાસ મારા માટે જ આ દુનિયામાં આવી છે? તમારા મિત્ર સાથે સૌથી ગંભીર મજાક કઈ કરેલી? તમે ક્યારેય કોઈ સાથે મારા મારી કરી છે?
તમને થશે આજે મેં સવાલોની લાંબી લાઈન લગાવી દીધી 😅
જાણીને જ આજે આટલા બધા સવાલ પૂછયા છે, જો આ બધામાંથી એક પણ સવાલ વાંચતી વખતે જ તમારી નજર કોઈ જૂનું દ્રશ્ય દેખાઈ આવે, તમે પાછા ભૂતકાળમાં ખેંચાઈ જાઓ અને તરોતાજા થઈને પાછા આવ્યા હો એમ લાગે તો કૉમેન્ટમાં થોડુક, બે શબ્દો જેટલું પણ જરૂરથી લખજો 👍
તમારો અનુભવ વાંચીને આજે ઘણા બધાને ખુશી મળવાની છે...અને શું ખબર એમનો લેખક જીવ પણ જાગી જાય અને એ પણ એમના ગામનો કોઈ અનુભવ આપણી સાથે શેર કરવા તૈયાર થઈ જાય..😁
મારી વાત કહું, હું જ્યારે સ્કૂલમાં ભણતી એ વખતે મારી સ્કૂલની સામે જ એક મંદિર હતું. રોજ એ મંદિરે જઈને, દર્શન કર્યા બાદ જ હું સ્કૂલના કેમ્પસમાં પગ મૂકતી. રોજની મારી પ્રાર્થના બસ એક જ હોતી,
“હે માતાજી આજે બેનને ખબર ના પડે કે મેં લેશન નથી કર્યું...કાલે ચોક્કસ કરીને આવીશ, પક્કા પ્રોમિશ!" 😂😂😂
રીસેસમાં ક્યારેક અમે છોકરીઓ ધાબા ઉપર નાસ્તો કરવા જતાં ત્યારે નાની નાની કાંકરીઓ કે બોરના ઠળિયા નીચે રમતા છોકરાઓને મારીને છુપાઈ જતા... એકવાર હું પકડાઈ ગયેલી, જેના માથામાં મેં બોરનો ઠળિયો મારેલો એણે તરત ઉપર જોયેલું અને એક ક્ષણ માટે અમારી નજર મળેલી. હું દોડીને અમારા ક્લાસમાં જતી રહેલી જેથી બધી છોકરીઓ વચ્ચે એ મને ઓળખી ન કાઢે અને તોય એ મને ઓળખી ગયેલો...મારા વાળ ટૂંકા કપાયેલા હતા અને આખા ક્લાસમાં હું જ એક એવી હતી જે બે પોની ઓળાઈને આવતી! એ તો સારું હતું કે ક્લાસમાં મારા બે રાખડી બાંધીને બનાવેલા ભાઈ હાજર હતા અને એમણે મામલો સંભાળી લીધેલો...😝
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏