બે ટંકનું ભોજન મળે તો પણ ભયો ભયો,
આવું સરળ શાસન મળે તો પણ ભયો ભયો.
સૌ કોઈ સિંહાસન તરફ એ આશથી જુએ,
અમને નીચે આસન મળે તો પણ ભયો ભયો.
તું કાંકરો ફેંકી સજીવન કર તરંગને ,
મનને જરા સ્પંદન મળે તો પણ ભયો ભયો.
જો કૂંડળી કે ગ્રહ નથી મળતા ફિકર ન કર ,
બસ બે જણાના મન મળે તો પણ ભયો ભયો.
સિધ્ધાંત મારા શેરમાં જીવન જરૂરી છે,
સૌને સરસ વાંચન મળે તો પણ ભયો ભયો.
ચિંતા કરીને આપ દુર્બળ ના બનો કદી,
થોડું ઘણું ચિંતન મળે તો પણ ભયો ભયો.
ચારો તરફ "સાગર" નિરાશાના નિશાન છે,
આશા ભર્યા લોચન મળે તો પણ ભયો ભયો.
રાકેશ સગર, સાગર, વડોદરા