આ દુનિયામાં તમને સૌથી સારા માણસો ક્યારે મળે ખબર છે?
જ્યારે તમે તકલીફમાં હોં!
કોઈક વાર અનુભવ કરી જોજો. તમારી સાથે હસનાર માણસો આગળ જતાં ભુલાઈ જશે પણ તમારી સાથે રડનાર માણસો, તમારા દુઃખમાં તમને હિંમત બંધાવનાર માણસો તમે ક્યારેય નહી ભૂલો.
બે માણસો વચ્ચે જ્યારે સુખ મળતું આવતું હોયને ત્યારે ક્યાંક ને ક્યાંક એમની વચ્ચે ઈર્ષ્યા જનમે છે, પણ બે માણસો વચ્ચે જ્યારે દુઃખ મળતું આવતું હોય ત્યારે હમદર્દી જનમ લે છે અને એ ઈર્ષા કરતા ઘણી વધારે પાવરફુલ હોય છે હોં! જો બંને દુઃખી માણસો એકબીજાની મદદ કરી શકે એવા હોય તો તો સોને પે સુહાગા જેવો ઘાટ ઘડાઈ જાય. એ જે સંબંધ આગળ વધે એ જીવન પર્યંત ટકી રહે છે. કયારેક ભલે કોઈ મદદ ના કરી શકે પણ હું તારી સાથે છું એટલો સધિયારો મૂક રીતે પણ આપતા હોય તો દુઃખના દિવસો ઝડપથી કપાઈ જાય છે!
હું શું કહું છું, તમે ભલે કોઈની મદદ કરો ના કરો પણ, એની તકલીફ તમે સમજી શકો છો, બસ આટલું જ કહી દો ને તોય દુઃખી માણસ રાજી રાજી થઈ જવાનો!
આજના આ જમાનામાં કોઈ સંપૂર્ણ સુખી કે દુઃખી નથી. મિશ્રિત લાગણીથી ઘેરાયેલા આપણે સૌ ક્યાંક ને ક્યાંક એકસરખા જ છીએ... આપણી લાગણીઓ એકબીજા સાથે જોડાયેલી છે, ભલે એના પ્રકાર જુદા જુદા હોય પણ અંતે બધાનો સાર તો એક જ હોય છે. આ સમયે તમને લાગે કે તમારી પાસે રહેલી આ વ્યક્તિ આજે મૂડમાં નથી, કે આજે એની પોસ્ટ રમુજી નહિ વેદનાભરી લાગી રહી છે ત્યારે એક બસ એક જ એવી કૉમેન્ટ કરજો કે પેલી દુઃખી વ્યક્તિને તમારી લાગણી અનુભવાય. ભલે એને હસવું આવે એવી રમુજી વાત કહો કે એના દુઃખમાં સહભાગી થાઓ, તમારી એક કૉમેન્ટ એ વ્યક્તિના વિચારો બદલી શકે છે!
લોકોને ટ્રોલ કરવું કે ઉતારી પાડવું બહુ સરળ છે અને એમ કરી તમે કોઈની નજરમાં નીચે પડી જાઓ છો સામે છેડે તમારી એક પોઝિટિવ કૉમેન્ટ જેટલા લોકો વાંચે એટલા બધા લોકોની નજરમાં તમે થોડું માન મેળવી લો છો!
હવે તમે જાતે નક્કી કરી લો તમારે રોજ રોજ આ ફેસબુક પર કૉમેન્ટ કરી આખરે મેળવવું શું છે...😁
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏