Gujarati Quote in Motivational by Ashok Upadhyay

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃદેવો ભવ:
કઈ ન્હોતો ત્યારથી બા કહેતી કે "તારોય વારો આવશે ." ત્યારે લગભગ 8 વર્ષનો હતો, કુલ પાંચ ભાઈમાં હું સૌથી નાનો. રસ્તાપર કટલરી વસ્તુઓ વેચી મોટો થયો. પણ સાંજે થાક્યાં પછી બા નાં ખોળામાં સુવાનો આંનદ આજ સુધી મળતો રહ્યો છે. આંખ બંધ કરું કે બા નો હાથ અચૂક માથે ફરે છે એવો અનુભવ કરી લઉં. બા ની વાતો, એનાં હાથની ખીચડી એનું કાન પકડી " સખણો રે ને " કહેવું. ભણવા બેસ..બાપુજીને કહી દઈશ. ( એ વખતે બા બાપુજી સામે લાજ કાઢતી, અને બાપુજી બા ને "રામ" કહીને બોલાવતા.) મને તૈયાર કરવો, માથું ઓળી દેવું, આંજળ લગાડી મારા માથે જ આંગળી લૂછવી, ભાગ લેવા પાંચીયું કે દશીયું દેવું, આ બધું યાદ કરતા મોઢે સ્મિત સાથે આંખમાં ઝળઝળિયાં આવી જ જાય.
એવું નથી કે આજે મધર્સ ડે છે એટલે બા ને યાદ કર્યા. આજે તો એનાં વિશે લખ્યું. બાકી મારુ અસ્તિત્વ જ એમનું પ્રમાણ છે. એમનાં અંશ તરીકે એ સદાય મારામાં છે જ.
ભલેને સદેહે સાથે ન હોય બા,
તોય સદાય સાથે તો હોય જ બા.

જગતની તમામ જનેતાઓને વંદન કરતા આજે માતૃદિને "દામોદર ખુશાલદાસ બોટાદકરજી" ની એવરગ્રીન રચનાં તમામ માતાને સમર્પિત.

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

દામોદર ખુશાલદાસ બોટાદકર

Gujarati Motivational by Ashok Upadhyay : 111429383
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now