ઘરની વહુ-દીકરી કરવો જ જોઈએ શ્રૃંગાર, જાણી લો તેનું કારણ
લેજ જતી યુવતિથી માંડી અને ચાલીસી વટાવી ચુકેલી મહિલાઓને પણ શ્રૃંગારનો શોખ હોય જ છે. ઘરની બહાર જવાનું હોય એટલે સૌથી પહેલાં મહિલાઓ અરીસા સામે ગોઠવાઈ જાય અને તૈયાર થાય છે. આ બાબતે તેમને ઘણીવાર ટોકવામાં પણ આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સ્ત્રીનો શ્રૃંગાર ઘરની સુખ-સમૃદ્ધિ માટે પણ લાભદાયક સાબિત થાય છે? જી હાં ઘરની વહુ-દીકરીઓ સજી-ધજીને ઘરમાં રહે તેનાથી સકારાત્મકતા વધે છે.
શાસ્ત્રોમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે કે સ્ત્રીઓએ સૂર્યોદય અને સૂર્યાસ્ત પહેલાં સૌંદર્ય નિખારે તેવો શ્રૃંગાર કરવો જોઈએ. સૌભાગ્યવતી સ્ત્રીઓનો શ્રૃંગાર તેના પતિના ભાગ્યોદયનું કારણ બને છે. સવારે સ્નાન પછી અને સંધ્યા સમય પહેલાં તૈયાર થવાથી સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ તો વધે જ છે સાથે જ તેમના શરીરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી.
શરીરની સ્વચ્છતા અને શ્રૃંગાર ઘરમાં સુખ-સમૃદ્ધિ પણ લાવે છે. એટલા માટે જ કહેવાય છે કે સ્ત્રીઓએ હાથ, કાન, નાક અડવા ન રાખવા જોઈએ. તેમજ કપાળ પર ચાંદલો અચૂક કરવો. સ્ત્રીઓએ હાથમાં મહેંદી અને માથામાં સુગંધિત ફુલ લગાવવા જોઈએ. આમ કરવા પાછળ એક કારણ એ પણ છે કે મહેંદી શરીરની ગરમી અને ફુલ માથાની ગરમીને દૂર કરી દે છે. જેનાથી મન શાંત રહે છે.
વાસ્તુ અનુસાર વાળમાં લાલ કે અન્ય કલર ન કરાવવા જોઈએ, તેનાથી માનસિક તાણ ઉત્પન્ન થાય છે. આ સિવાય સુગંધિત અત્તર કે પરફ્યુમ લગાવવાથી પણ લાભ થાય છે. ઘરથી બહાર જતી વખતે જ નહીં પરંતુ ઘરમાં રહેતી સ્ત્રીઓએ પણ હળવો મેકઅપ કરી તૈયાર થવું જોઈએ. તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને મન પ્રફુલ્લિત રહે છે. આ ઉપરાંત ઘરમાં માતા લક્ષ્મીની કૃપા પણ બની રહેશે, એટલા માટે જ ઘરની સ્ત્રીઓએ ક્યારેય પણ ઉદાસ કે શ્રૃંગાર કર્યા વિના રહેવું ન જોઈએ.