મીનપિયાસી કવિની સાથે પક્ષીવીદ પણ હતા. એમના પક્ષી પ્રેમથી સૌ વિદિત છે. કાબર પરનું એક ગીત આજે અહીં મૂકી રહ્યો છું. મીનપિયાસી એકમાત્ર એવા કવિ હતાં કે જેમણે પક્ષીઓ પર પણ કવિતાઓ લખી. અને કદાચ કાબર પર લખવાવાળા તો આ એકમાત્ર કવિ હશે. આ કવિતા વાંચી ને પછી કાબર ને Observe કરજો. તમે ચોક્કસ મીન પિયાસી ના શબ્દો થી સહેમત થશો. આમાં "ઘાંચી ચિંયો છું" જે શબ્દો આવે છે એ કાબર બોલતી હોય અને જે અવાજ (Sounds create) આવે એ મીન પિયાસી એ પોતાની કલ્પના થી લખેલું છે. આશા છે સહુ ને ગમશે.
કાબરનું ગીત
કાબરે ગાયું ગીત.
કાબરી સંગે કાબરો માંડે પીંપળડાળે પ્રીત.
કાબરે ગાયું ગીત.
કાબરને કજિયાળી કહી સૌ લોક કરે કચકચ,
પણ સુણે જો વાણી જે વહેતી વાયરા વચોવચ,
દિલથી ડોલી, ઊઠશે બોલી: આપણે ભૂલ્યાં ભીંત !
આ તો કાબરે ગાયું ગીત.
મેશ જેવા એના કેશ શોભે ને સોનલ સોહે પાય,
ચંપકવર્ણી ચાંચ ઉઘાડી 'ઘાંચી ચિંયો છું' ગાય,
નોખી નોખી કૈંક નકલ કરે નવરી બેઠી નિત;
કેવું કાબરે ગાયું ગીત ?
ડોક ફુલાવી શિર ઝુકાવે, મન મહીં મદમત્ત,
પંડિત ! લેજો પારખી ગીતે ગાંધારની કોઈ ગત,
હારી જશો તમે હૈયું તમારું, ચોરાઈ જાશે ચિત્ત;
ઓહો ! કાબરે ગાયું ગીત.
--- મીનપિયાસી (29/9/55)