સ્પર્શ્યા વગર એ મારી શકે મારથી વધુ
ઘાતક છે શબ્દો જેમના હથિયારથી વધુ
મળવાનું એનું એ રીતે વધતું રહ્યું છે કે
પીડાનું ઘેલું લાગ્યું છે, ઉપચારથી વધુ
બસ એક બે ગઝલમાં તમે તો રડી પડ્યા
અંદર જે દર્દ છે ને, એ છે બહારથી વધુ
સુંદરતા મારા જેટલી બીજે તો ક્યાં હશે ?
પહેર્યા છે એના સ્મરણો મેં શણગારથી વધુ
હૈયાનું હો રુદન, તો એ આંસુ પવિત્ર છે
નહીંતર તો શું છે પાણી અને ક્ષારથી વધુ ?
કોઈ હવે મને નવું દર્દ આપી નહિ શકે
દરિયાને પણ ભરાય ના ચિક્કારથી વધુ