' રજકણ '
🍁🍁🍁
નાનકડા શહેરનો પોસ્ટમાસ્તર રઘુ , એકદમ ખુશમિજાજ અને લાગણીશીલ સ્વભાવનો , હંમેશા હસ્તો રહેનારો...
રઘુના થોડા સમય પૂર્વે જ લગ્ન લેવાયા હતા . પોતાની ઘરવાળીને પાગલ બનીને પ્રેમ કરતો હતો . દિવાનો હતો એનો ..
રૂપરૂપનો અંબાર હતી એની ઘરવાળી , જાણે કાંચની પૂતળી જોઈ લ્યો .
રઘુ પાસે જાજો પૈસો નો ' તો પરંતુ પ્રેમ કરવા માટે હૃદય વિશાળ હતું . નોકરીએથી આવતા જતા ઘરવાળીને ભાવતી , ગમતી કોઈને કોઈ વસ્તુ લઈને જતો . નાનકડું મજાનું ઘર હતુ અને સુખી સંસાર હતો . રજાના દિવસે પોતાની સાયકલ પર બેસાડી કેટલુંય ફેરવતો . એને ભાવતી વસ્તુ ખવડાવતો . રઘુનું હૃદય ઘરવાળી માટે લાગણીથી છલોછલ ભરેલું હતું .
જીવનના પસાર થતા સુખમય દિવસો માટે હંમેશા ભગવાનનો આભારી રહેતો .
રોજની દિનચર્યા મુજબ રઘુ રોંઢો કરી નોકરીએ જવા નીકળ્યો . ત્યાં પહોંચ્યા બાદ પોતાની તબિયત થોડી નરમ લાગતા સાહેબે સામેથી રજા આપતા કહ્યું ' બે દી આરામ કરી લે ... '
તબિયતના કારણે આજે સાયકલ ચલાવવામાં તકલીફ થતી હતી . છતાં ધીરે ધીરે ઘર સુધી પહોંચી ગયો .
દરવાજાની બહાર ઘરવાળીનું ખડખડાટ હાસ્ય સંભળાતા થોભી ગયો . અને વિચારવા લાગ્યો નક્કી એને મારા આવવાની ખબર પડી ગઈ ,
ત્યાંતો એના કા ' ને શબ્દો અથડાયા ,
' તને ખબર છે અલ્યા , મારો ધણી કેટલો બેવકૂફ છે . ઇ મને ગાંડોતુર બનીને પ્રેમ કરે છે ... જ્યારે જ્યારે છોકરુ કરવાની વાત કરે ત્યારે બહાનું બનાવીને ટાળતી રહું છું ,
સાવ ગામડાનો ગમાર છે ગમાર ....
બોલતા બોલતા અંદર રહેલા બંને પાત્રો પોતાની શર્મિન્દગી અને સંસ્કારોને નેવે મૂકીને હાસ્યની છોળો ઉછાળી રહ્યા હતા .
સાયકલનું હેન્ડલ પકડી ફરી પોતાની નોકરીના રસ્તે ઉપડ્યો . રસ્તામાં પત્થરની ઠોકર વાગતા સાયકલ ગબડી પડી . ત્યાં સામે જ દુકાનમાં દેખાતા નવા નક્કોર અને સાફ-સુથરા અરીસામાં દેખાતા પોતાના જ ચહેરા પર લાગણીથી કંડારેલી રજકણોને હળવે હાથે સાફ કરી નાખી .