*શીર્ષક*. વેશ
નરેન્દ્ર આજ સવારથી ઉચાટમાં હતો. આજે પહેલીવાર તે માતાજીનો વેશ ધારણ કરવાનો હતો. તેના પિતા, કાંતિલાલ નવરાત્રીની આઠમે માતાજીનો વેશ ધારણ કરતા. તે પહેલાં તેના દાદા માતાજીનો વેશ ધારણ કરતા.
નરેન્દ્ર, કાંતિલાલનો સૌથી નાનો પુત્ર હતો. બાકી પુત્રો શહેરમાં નોકરીએ લાગી ગયા હતા અને પરંપરા આગળ વધારવામાં રસ ન દેખાડ્યો. કાંતિલાલના મૃત્યુ પછી પાંચ વર્ષ વિક્ષેપ પડ્યો. તે દરમ્યાન પ્રથમવાર માતાજીનો વેશ ભટ્ટ પરિવારની બહારની વ્યક્તિએ ધારણ કર્યો.
કાંતિલાલના વ્યક્તિત્વ સામે નરેન્દ્ર પોતાને વામણો સમજતો હતો. આ વખતે અગમ કારણોસર નરેન્દ્રએ પોતે માતાજીનો વેશ ધારણ કરશે એવું જાહેર કર્યું. પણ કુદરત પરીક્ષા લેતી હોય તેમ નાનો દીકરો બિમાર પડ્યો અને સરકારી ડોક્ટરે કહ્યું,"દીકરાને મહેસાણા લઈ જાઓ."
નરેન્દ્ર સામે બે વિકલ્પ હતા માતાજીનો વેશ કે દીકરાની તબિયત. નરેન્દ્રએ મનોમન નિર્ણય કર્યો અને ઘરમાં રહેલા માતાજીના મંદિર સામે ઉભા રહી હાથ જોડ્યા અને કહ્યું," મા , દીકરો તારે હવાલે હવે તું જ રક્ષા કરજે." એટલું કહી તૈયાર થવા નીકળી ગયો.
તે રાત્રે પહેલીવાર નરેન્દ્રએ મહાકાળી માતાનો વેશ ધારણ કર્યો. સાડી ,કપાળમાં ગોળ ચાંલ્લો , પગમાં ઝાંઝર , બે હાથમાં સળગતી સગડી અને મોઢામાં ખુલ્લી તલવાર. તેના આ રુપે બધાને કાંતિલાલની યાદ અપાવી દીધી.
બીજે દિવસે દીકરાને મહેસાણા લઈ જવાની જરુરત ન પડી. દીકરો તેની સાથે રમી રહ્યો હતો. કદાચ તેની પરીક્ષા પુરી થઈ ગઈ હતી.
✍ જ્યોતિન્દ્ર મહેતા.
( નોંધ :બહુચરાજી નજીક રાતેજ ગામે નવરાત્રી દરમ્યાન દર આઠમે માતાજીનો વેશ ભજવાય છે. વેશ લેનાર નરેન્દ્ર ભટ્ટ એ મારા મામા છે. એવું કહેવાય છે કે મહાકાળી માતા આખા ગામને દર્શન અને આશિર્વાદ આપી શકે તે માટે આ પ્રથા શરુ કરવામાં આવી)