#સજાવટ
મહેમાનોનો કોલાહલ વળાવેલી જાન સાથે વહેતો થયો. આસપાસ પડેલા પ્લાસ્ટિકના ગ્લાસમાં તેમની હાજરીનો લીસોટો રહી ગયો. ખાલી ખુરશીઓ દૂર ધોઈને ગોઠવેલા વસણોની તરફ ઈશારા કરી ફરફર ફરકતા મંડપ સાથે ખીખીયા કરી રહી. મૂંગા દરવાજાના ઉંબરે ઝૂલતા હારમાં કરમાઈ ગયેલા આંસુ સારતા ફૂલ સાથે આખુંયે ઘર મૂંગુ વિલાપ કરી રહ્યું. ઘરડાં બાએ સ્વાભાવિક જ બૂમ પાડી, "અરે જાગુડી, જો તો ઓલ્યા ફૂલની સજાવટ કેવી મજાની...." અધૂરા શબ્દે ભરેલા ડૂસકાં આખાયે ઘરમાં હમણાં વળાવેલી દીકરી જાગૃતિને ખોળતા રહ્યા..!