છે તારા ગાલનો, એવો ગુલાલ ક્યાં મળશે ?
ને એના સ્પર્શમાં છે એવું વ્હાલ ક્યાં મળશે ?
તું રંગ લઈને ઉભી છે, હું ગાલ કોરા લઈ
પ્રસંગ આજે મળ્યો જે એ કાલ ક્યાં મળશે ?
ઝૂલે છે કેસુડે એ તારું મારું સગપણ છે
પ્રણયનો આવો જ રંગીન ફાલ ક્યાં મળશે ?
નજરની મારી તેં પિચકારી ભીંજવ્યો એવો
કરે જે કોરો મને એ રૂમાલ ક્યાં મળશે ?
શરમના શેરડા જે તારા ગાલ પર છે ને,
વરસતા વાદળોની આ મિસાલ ક્યાં મળશે ?
❤️💛💚🧡