ભર પિચકારી પ્રેમસરની પિયા, જાતને અંદર દે ઘોળી
જોને આજ આવી ગઈ સાંવરિયા મન ગમતી હોળી.....
સુક્કો તે રંગના છાંટો રે વાલમિયા;
મારા હૃદિયાની પ્યાસ ના બુઝાય,
અંતરની લાગણીને ભીની કરવામાં,
સાયબા, હવે તો તું શીદને મૂંઝાય ?
નાકના ટેરવે બેઠો છે ગુસ્સો, એને પણ નાખ હવે ઢોળી
જોને આજ આવી ગઈ સાંવરિયા મન ગમતી હોળી........
મનગમતા રંગો મેં રાખ્યા છે સાયબા
ચોકમાં પૂર્યા છે મેં અબીલ ગુલાલ
બારીમાં બેઠો બેઠો જોયા કરું હું
આવશે ક્યારે તને રંગવાનો તાલ
સાતેય રંગોને ભેળા કરી ને રંગવી છે તુજ સંગ રંગોળી
જોને આજ આવી ગઈ સાંવરિયા મન ગમતી હોળી......
કોરીકટ્ટ રાખી છે જાતનેય મેં મારી
રંગાવા તુજ સંગ ઓ રંગ રસિયા
આવીને પાસે રંગાઈશ તારા હાથે
અભરખા એવા આ હૃદયે વસિયા
પ્રેમ પિચકારી એ ભીંજાવા,પોકારે લાગણીઓ આ ભોળી
જોને આજ આવી ગઈ સાંવરિયા મન ગમતી હોળી......
ઉભું છે જગત રંગ લઇ ઘરની બહાર
મારે રંગાવું બલમાં તારી પ્રીત સંગે
ખોલી દે હવે તું તારા દિલના કમાડ
રંગાઈ જાને તું પણ હવે ઇશ્કરંગે
આવી જા પાસ તારે ગાલે પણ પ્રીતનો રંગ દઉં ચોળી
જોને આજ આવી ગઈ સાંવરિયા મન ગમતી હોળી......
#નીરવ_પટેલ "શ્યામ"