#જીવન
માર્ચ મહિનો આવ્યો
જીવનના કેટલાંક ટેક્સ ભરવામાં અટવાયો
ચાલ સખી, માર્ચ મહિનો આવ્યો.
સંબંધોનો કર્યો સરવાળો લાગણીઓની સાથ
સુખો સૌ ઉમેરતાં રહ્યા ને દુઃખો કર્યા બાદ
સરવૈયાના નફા-ખોટ જોઈ હું હરખાયો
ચાલ સખી, માર્ચ મહિનો આવ્યો.
મનના ખેતરમાં વાવ્યું પહેલાં પ્રેમ તણું બીજ
લાગણીઓનું ખાતર કીધું સ્નેહરૂપી જળથી જ
લણણી ટાણે મોલ જોઈ હું મનમાં મલકાયો
ચાલ સખી, માર્ચ મહિનો આવ્યો.
સ્નેહ, હૂંફના રંગો સાથે જીવન બનાવ્યું રંગીન
હઠ, ઉદાસી, અભિમાનને કીધાં મેં ગમગીન
શુભ રંગોની સંગે જોને ફાગણ પણ ફોરમાયો
ચાલ સખી, માર્ચ મહિનો આવ્યો.
ખાતાવહીને અંતે જોયાં કંઈક અનેરા આંક
તારી સાથે હસતાં રમતાં થયા કેટલાં લાભ
ઉપરવાળો ઓડિટ મૂકી માનવ થૈને મહાલ્યો
ચાલ સખી, માર્ચ મહિનો આવ્યો.
- ડૉ. રંજન જોષી