જયારે કોઈ દંપતી પોતાના જીવનસાથી ને અમુક ઉંમર થયા બાદ ગુમાવી દે છે ત્યારે તે પોતાના ઘર માં કે જીવન મા બહુ જ એકલતા અને મુંજવણ અનુભવતો હોય છે.
એક એવી વય જેમાં વેદના અનુભવાય પણ એ કોઈ ને કહી ના શકાય અને જેને કહી શકાય એ હાજર હોય તો ઠીક નહી તો કદાચ એના ફોટો સાથે જ વાત કરી ને રડી લેવાય.
એક વૃદ્ધ વિધુર ના એની સ્વર્ગવાસ થયેલ જીવનસંગીની ના ફોટા સામે મુકાયેલા એક પત્ર ના શબ્દો.
તને યાદ છે ? પેહલા તો હું વહેલો ઉઠી મારા કામ માં લાગી જતો પણ હવે બીજા ના રૂટિન માં ડિસ્ટર્બ કરું છું એમ લાગે છે એટલે હવે હું મારા રુમ માં જ બેસી રહું છું.
પેહલા ઉઠતા ની સાથે જ ચા- નાસ્તો તૈયાર કરી તુ મારા હાથ માં આપતી હવે વહુ એના કામ માંથી થોડી પરવારે પછી ચા મૂકી આપે છે.
હું પેહલા પગભર હતો ત્યારે કામ ધંધા માં જ સમય જતો રહેતો પણ હવે નિવૃત્તિ ના સમય માં ટીવી, ન્યૂઝપેપર કે બહાર ઓટલે બેસી ને દિવસો કાઢું છું.
જયારે તું ટિફિન બનાવી ને આપતી ત્યારે હું ઓફિસે માં 1 વાગે તો જમી જ લેતો પણ હવે વહુ ને કામ જ એટલું હોય છે કે જમવા માં 2 કે 2:30 થયી જ જાય છે.
જોકે ઓફિસે માં સુવાનો ટાઈમ ના મળતો પણ હવે ઘરે જ રહું છું અને કઈ કામ ના હોય એટલે બપોરે થોડી આંખ લાગી જાય છે. પેહલા તો ઓફિસમાં 3 વાગે ચા આવી જતી પણ હવે થોડી મોડી મળે છે 4:30-5 વાગ્યા સુધી.
પેહલા ઘર માં ટીવી નું રિમોટ મારા હાથ માં રહેતું પણ હવે પૌત્ર ને કારટૂન જોવું બહુ ગમે એટલે પછી હું સાંજે થોડું બહાર ફરી આવું અને એકાદ મંદિર જઇ આવું અને આવી ને પાછો રૂમ માં બેસી જાઉં.
તું હતી ત્યારે હું મોડા સુધી ન્યૂઝ જોતો પણ હવે રાતે વહુ ને થોડી સીરીયલ નો શોખ ખરો એટલે હવે ન્યૂઝ નથી જોયી શકાતા.
આપણો છોકરો ઓફિસે થી ઘરે આવે અને જમવા બેસે એટલે વહુ કહે પપ્પા ચાલો જમવા. જમી ને પાછો રૂમ માં આવું જાઉં અને સુવાનો પ્રયત્ન કરું પણ બપોર ની સારી ઊંઘ ના કારણે જલ્દી ઊંઘ ના આવે અને તું બાજુ માં સૂતી છું એવું અનુભવી ને ક્યારેક થોડું રડી પણ લઉ.
તારા લીધેલા એ ચંપલ હવે ટુટવા આવ્યા છે. ઇસ્ત્રી કરતા, બટન સાંધતા અને માંથા મા તેલ નાખતા હવે થોડુ ફાવી ગયુ છે. હવે પ્રસંગો તારા વગર અધુરા લાગે છે.
તારા થોડા ગુસ્સા મા બોલાયેલા શબ્દો "હુ નઇ હોવુ ને ત્યારે ખબર પડશે" હવે સાચે મને રડાવી જાય છે.
"તુ આવી તો ના જ શકુ પણ મને બોલાવી તો શકુ જ ને ?"
#Partner