ધારણાની ધરતી પરથી ઉભા થઇને સત્યને જાણો,
જિંદગી તો છે સદા તડકાને છાંયા સાથે સરવાળો.
આવડ્યો ના, તો પછી એ દાખલો મૂકી ને આગળ વધ,
આવડે એમાં તારે શું કામ કરવો ખોટો ગોટાળો.
રાહ જે પકડી તે કેવી છે ! જરા જોઈ લે તું આજે,
પથથી ભટક્યો એવું લાગે તો હવે પગલાં પાછા વાળો.
પાપ કરતાં હાથ પાછો ના પડે એને ફરક ક્યાંથી !
છો ને આપો બીક કે તુજ કર્મો દેખે છે ઉપરવાળો.
જિંદગીમાં ઋતુના ના કોઈ ઠેંકાણા મળે જોવા,
વરસે છે એને જરા બોલો આજે ચાલે છે ઉનાળો.
ટેકો આપે કોઈ જગમાં એ બધી વાતો ખોટી લાગે,
આ કરચલાનું જગત ,ધારો આગળ જાયે તેને પાડો.
દરમાં જઇને સાપને પકડે અને તે સિંહને કનડે,
માનવી ! જ્યાં ત્યાં શું કાજે! તું કરે છે આ અટકચાળો .
જિંદગીમાં તું જમા ,ઉધાર ને જોઈ તપાસી લે,
બાકી રહેલી જિંદગીમાં મળશે જીવનનો કદી તાળો?
જિંદગીના કડવા અનુભવ તો ઘણું નિત શીખવાડે છે,
જિંદગીની એ સુધારે માંદગી, એવો આ ઉકાળો.
જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'
અમદાવાદ