મને ફૂલનો ગુલદસ્તો બહું જ પસંદ છે દોસ્ત... તું જ્યારે પણ મને મળે ને, તો સફેદ અને ગુલાબી ફૂલોનો એક ગુલદસ્તો જરુરથી આપજે. સફેદ ફૂલોની સાદગી અને ગુલાબી ફૂલની મોહકતા મને હંમેશાથી તેની તરફ ખેંચે છે. હું કોઈ એવી ઉચ્ચ વિચારસરણી નથી ધરાવતી કે એવા કોઈ ઉચ્ચ નિયમો પણ નથી અનુસરતી.
ભૌતિક વસ્તુઓ જરૂરિયાત મુજબની પસંદ પણ કરું છું... પણ જ્યારે વાત દિલથી જીવવાની હોય તો મને આ ફૂલો મોહી લે છે.. લાઈનબંધ રીતે ગોઠવાયેલા આ ફૂલો.. મને મારા હાથનો ખરો શણગાર લાગે છે. સફેદ ફૂલની સાદગી અને ગુલાબી ફૂલની મઘમઘતી ફોરમ મને એક અલૌકિક અહેસાસ આપી જાય છે.
એ દોસ્ત... એક વાત કહું તને? "જો કદાચ મારી હયાતિમાં તું મારી આ ઈચ્છા પૂરી ન કરી શકે ને તો, મારી કબર પર ફૂલોની ચાદર પાથર જે હો!" મને એમ લાગશે કે, જાણે હું કોઈ સપનાના દેશમાં પહોંચી ગઈ છું! આ ફૂલો કેવા હસતા હોય છે નહીં! બસ મારે એમ જ ખિલખિલાટ કરવો છે.. મૃત્યું પછી પણ! તે પાથરેલ ફૂલોની ચાદર, મારા આત્માને ખિલખિલાટ હસાવતા શીખવશે અને ક્યાંક કોઈક એક ખૂણામાં હું જીવતી રહીશ!
- નિપા જોશી શીલુ