#ફિલ્મરીવ્યુ #થપ્પડ 🖊by me
તમે કોઈને પ્રેમ કરો છો એ બાબત તમને એ હક નથી આપતી કે તમે તે વ્યક્તિની સાથે મનફાવે તેમ વર્તો. કોઈપણ સંબંધમાં રીસ્પેક્ટ એ બહુ મહત્વની બાબત હોય છે. કેમ કે, જ્યારે તમે જે તે સંબંધમાં રહેલ વ્યક્તિની રીસ્પેક્ટ નથી કરતા ત્યારે એ માત્ર તે વ્યક્તિનું નહીં પણ જે તે સંબંધનું અપમાન કર્યા બરાબર છે, તે વ્યક્તિએ સંબંધને ટકાવી રાખવા માટે કરેલ પ્રયત્નોનું અપમાન છે....થપ્પડ ફિલ્મ આ વાત બહુ સારી રીતે શીખવી જાય છે. બાધા કલાકારો એ પાત્રોને જે રીતે ભજવ્યા છે, એ ખરેખર વખાણવા લાયક છે. તાપસીએ અમૃતાનું જે પાત્ર ભજવ્યું છે, એકદમ જબરજસ્ત. તમારું વ્યક્તિત્વ જો લાગણીશીલ પ્રકારનું હોય ને તો તમારો આંખનો ખૂણો ભીનો થયા વગર ના રહે. આ ફિલ્મ શીખવે છે કે, પ્રેમ એ કોઈપણ સંબંધમાં સન્માનના પાયાનો આધાર હોઈ શકે, પણ પ્રેમ એ સન્માનના પાયાનો વિકલ્પ ક્યારેય ન બની શકે. એક થપ્પડ જે અમૃતાના આખા અસ્તિત્વને ડગમગાવી જાય છે, એ અમુક સિવાય બધાને ફિલ્મના ટાઈટલ મુજબ આપણા સમાજની માનસિકતા પ્રમાણે "બસ ઈતની સી બાત" લાગે છે, જે ખરેખર જરા પણ નાની વાત ન કહી શકાય, એને આ ફિલ્મમાં બખુબી બતાવવામાં આવી છે. વ્યક્તિ કોઈપણ હોદ્દા પર હોય દરેકનું પોતાનું આત્મસન્માન હોય છે, જેને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોઈને પણ નથી, એ બાબત પર પણ ભાર આપવામાં આવ્યો છે. ઘણી વખત માણસ સંબંધમાં સામેની વ્યક્તિને કંઈક આપીને જાણે ખરીદી લેવાની કોશિશ કરતો હોય છે, હકીકતમાં સંબંધો કમાવવા પડતા હોય છે, એ બાબત અહીં ખૂબ સારી રીતે બતાવી છે. આમ તો આખી ફિલ્મ હ્રદયસ્પર્શી છે, પણ અમુક દ્રશ્યો તો હ્રદયને પણ આરપાર થઈ જાય તેવા. જ્યારે અમૃતા વિક્રમને એ વાતનો અહેસાસ કરાવે છે કે એક કંપનીમાં તેનું માત્ર ત્રણ વર્ષનું ઈન્વેસ્ટમેન્ટ એને ઓછું વળતર આપતું હોય તેવું લાગે છે તો તેણે તો તેની આખી જિંદગી એની સાથે ઈનવેસ્ટ કરી છે. બીજું દ્રશ્ય જ્યારે અમૃતા ડિવોર્સના નિર્ણય વિશે તેના પપ્પાને પૂછે છે કે હું આ યોગ્ય તો કરું છું ને? ત્યારે એના પપ્પા કહે છે કે આપણે તો બધું યોગ્ય માનીને જ કરીએ છીએ પણ સાચી ખબર તો કોઈ કામ કર્યા પછી જ પડે. અને જે યોગ્ય હોય એ હંમેશા ખુશી જ આપે તેવું ન બને. આ દ્રશ્યમાં જાણે આખી જિંદગીનો સાર નીકળી જતો હોય તેવું લાગે. અને લાસ્ટ બટ નોટ લિસ્ટ જ્યારે વિક્રમ અમૃતાની માફી માંગે છે, એ દ્રશ્ય શીખવે છે કે ઘણી વખત આપણને આપણી ભૂલોનો અહેસાસ એટલો મોડો થાય છે કે એને સુધારવું આપણા હાથમાં નથી હોતું. ભૂલ થવી એ સ્વાભાવિક હોય શકે, પણ ભૂલનો અહેસાસ ન થવો એ તો અસ્વાભાવિક જ. ટૂંકમાં, માત્ર જોવા જેવી નહીં પણ ખૂબ સમજવા જેવી ફિલ્મ છે.
- જાગૃતિ તન્ના "જાનકી"
https://www.facebook.com/Jagruti-Tanna-Janki--2209532675841508/