હરિ તમે ના ય પાડતાં શીખો!
માંગ્યા વિના ય કેટલું દીધું
સૂરજ ચંદર તારા
મીઠા જળની સરિતા દીધી
ઘૂઘવે સાગર ખારા
કદી કહ્યું નહીં અમને તમે તો
થોડું માંગો- ભીખો!
હવે ના ય પાડતાં શીખો.
અમે માંગીએ મનનું ગમતું
તમે કહો કે તથાસ્તુ
આજ ગમે તે કાલ ગમે નહીં
ગમતું રહે બદલાતું
એક કોળિયે ગળ્યો સ્વાદ ને
બીજે જોઇએ તીખો!
હવે ના ય પાડતાં શીખો.
આદત પડી ગઇ અમને એવી
સાંભળ ઓ હરિ મારા
માગણ થઇને આંગણ જાવું
મંદિર કે ગુરુદ્વારા
ટેવ પડી ગઇ, દેવાવાળો
મળ્યો છે તારા સરીખો.
હવે ના ય પાડતાં શીખો.
તમે હવે ના કૃપા કરીને
કષ્ટ અમારાં કાપો
આપવું હો તો માંગવું શું નો
વિવેક કેવળ આપો
દોડવા માંગતા મનને કહો કે
થોડું પહેલાં રીખો!
હરિના ય પાડતાં શીખો.
- તુષાર શુકલ