આમ તો બધું જ તારા પર છોડી દઉં,
ને પછી તેનાં પર એક તાળું વાસી દઉં.
હાલ્ય બેસ સામે દર્દની રજૂઆત માટે,
મીરાની તું કે' એ વાણી સંભળાવી દઉં.
ભરોસો તોડ્યાંનો કહે તું એકાદ પ્રસંગ,
દુશ્મનોની સભામાં ગરદન ઝૂકાવી દઉં.
છું બીનઊપજાવ પણ કરે કોઈ રખોપું,
તો દર્દનું આ આખું ખેતર ઊગાડી દઉં.
ટૂકડે-ટૂકડે મારવાની ન કર બાલીશતા,
મારીય ઓળખ છે:મોતને પૂછાવી દઉં?