Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટલાક માણસોને સમજાવવા કે તમારી વાત એમને ગળે ઉતારવી અશક્ય હોય. ખુદ ભગવાન પણ જો પૃથ્વી ઉપર ઉતરી આવે અને પ્રયત્ન કરી જુએ તો એ પણ એમની દાઢી ખંજવાળતા વિચારવા લાગે કે, એવું તો કયું તત્વ આ નંગમાં વધારે/ઓછું પડી ગયું?

દુનિયામાં તમને દરેક પ્રકારના નમૂના ઠેર ઠેર જોવા મળી જ જાય. હું માણસોને એમની સમજશક્તિને આધારે ત્રણ ભાગમાં વહેંચી શકું છું.

૧) કેટલાક એવા હોય જે દરેક વાતની જાણકારી રાખતા હોય. નાનામાં નાની ટેકનિકલ બાબતોથી વાકેફ હોય. એમની નજર પણ એવી પારખું થઈ ગઈ હોય કે તરત જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખે... આવા લોકો પ્રત્યે મને માન છે. આ જાતિના લોકો દલીલ કરે તો એમાં કંઇક તથ્ય હોય. તમને એમની સામે વિરોધ નોંધાવવાની પણ મજા આવે. આ લોકો એમની ભૂલ થતી હોય તો જાતે સમજી જાય અને એને સુધારવા પ્રયત્ન પણ કરે. આમને તમે સમજાવી શકો પણ એ માટે તમારે પણ જ્ઞાની બનવું પડે...👍

૨) બીજી કેટેગરીમાં આવે છે સાવ અજ્ઞાની માણસ. જેને કોઈ વાતની કંઈ જ ખબર નથી અને એ સ્વીકારવામાં એને કોઈ શરમ નથી નડતી. એ પહેલા જ કહી દેશે મને કાય ખબર નથી. આવા માણસોને સમજાવવા એકદમ સરળ. એ તમારી વાત ધ્યાનથી સાંભળશે અને એને પૂરી રીતે સમજવાનો પ્રયાસ કરશે. જે નહીં સમજાય એટલું પૂછશે, વારંવાર પૂછશે અને છેવટે તમારી વાત માની જશે. હું આમને ભગવાનના માણસ કહું છું! આમને હું દસ વખત સમજાવી શકું અને તોય કંટાળો ના આવે!

૩) ત્રીજી અને સૌથી ભંગાર કેટેગરીમાં આવે છે એવા માણસો જેમને નથી કોઈ જાતની ખબર, નથી સામેવાળાની વાત સાંભળવાની ધીરજ કે નથી કંઈ સમજવાની શક્તિ! તમે એમને કંઈ કહેવા જાઓ એટલે તમે તમારું વાક્ય પૂરું કરો એ પહેલા એમનું બોલવાનું ચાલું થઈ જાય. નોન સ્ટોપ અને એ પણ હેતુ વગરનું બોલવામાં આ લોકો પહેલા નંબરે આવે. તમે શું વાત કરતા હો એ શું સમજે અને ક્યાં તમારી ભૂલ દેખાડે એ જોઈ તમને ધોળે દહાડે તારા દેખાઈ જાય! આવા લોકોને તમારી વાત મનાવવી એટલે લોઢાના ચણા ચાવવા, કદાચ એ પણ સહેલું લાગે મગજની પત્તર ખાંડયા કરતાં..! પોતાને સૌથી હોંશિયાર માને અને બીજા બધા જાણે એમને છેતરવા જ ઊભા હોય એમ દરેક વાતે ખોટી દલીલ કર્યા કરે. હું આવા લોકોને એમના હાલ પર છોડી દઉં છું અને મારા મગજની શાંતિ બચાવું છું!

- નિયતી કાપડિયા.

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111346320
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now