માન સૌને જીવનભર અપાય તો ઘણું છે
ને સ્વમાન ખુદનું જળવાય તો ઘણું છે.
અપાય જો આ હાથોથી પળે પળ
ને ડાબો જમણો ન જાણે તો ઘણું છે.
લૂછાય ક્યારેક તો ક્યારેક કોઇનાં આંસુ
ને પછી વાતમાં ઉલ્લેખ ન થાય તો ઘણું છે.
છે આમ તો આ જીંદગી જરાક જેટલી
પણ જીવાય જવાય ઝાઝેરુ તો ઘણું છે.
માગી શકું કોઈના માટે એકાદ દુઆ
ને ફળે એ જો સમયસર તો ઘણું છે.
અરજ મારી ભલે તું નામંજૂર કરે ઇશ
પણ પહોંચે શબ્દ તુજ સુધી તો ઘણું છે.
મર્યા પછી કહેવાય એ ખરેખર જીવી ગયા
બસ! આટલી વાત ચર્ચાય તો ઘણું છે.