દલિત સૈનિક વરઘોડો ન કાઢી શકે? ભારતમાતા ચૂપ કેમ છે?
દલિતો ‘જયશ્રી રામ’/ ‘મંદિર વહી બનાયેંગે’ વગેરે સૂત્રો પોકારે તો ગમે છે; પરંતુ તેઓ સામાજિક ન્યાયની વાત કરે તો કડવા લાગે છે ! મૂછો રાખે કે વરઘોડો કાઢે તો સહન થતું નથી ! આપણા ફ્યુડલ મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે દલિતો સમાનતાની વાત કરી જ કેમ શકે? દલિતો મૃત્યુ પામે છતાં તેમના પ્રત્યે ધૃણા ઓછી થતી નથી; ગુજરાતના દરેક ગામમાં દલિતોનું સ્મશાન પણ જુદું ! દલિતો માણસમાં આવે કે નહીં?
દલિતો શિક્ષક/સૈનિક/ડોક્ટર/ઈજનેર/સનદી અધિકારી ત્યારે જ બની શકે જ્યારે તેમને શિક્ષણ મળે. આઝાદી પહેલા દલિતોને શિક્ષણ મેળવાનો અધિકાર છે; તેવું અંગ્રેજોને લાગ્યું હતું. આંબેડકરજી એટલે ભણી શક્યા. હિન્દુધર્મ તો ચારવર્ણમાં માને છે; ચાર વર્ણ પૈકી શૂદ્રવર્ણના લોકોએ તો બાકીના ત્રણ વર્ણની સેવા જ કરવી, તેવું શાસ્ત્રોમાં અન્ડરલાઈન કરીને લખી રાખ્યું છે. 2002માં, ગોમતીપુરમાં ‘વંદે માતરમ’/ ‘ભારતમાતા કી જય’ના નારા સાથે તલવારો લઈને દલિતો જોશપૂર્વક કેસરિયા કરવા નીકળતા હતા; તે મેં જોયેલા છે. શહેરીકરણના કારણે શહેરોમા દલિતો પ્રત્યેની સૂગ હળવી બની છે; પરંતુ ગામડાઓમાં ભેદભાવની સૂગ અકબંધ છે. 16 ફેબ્રુઆરી, 2020 ના રોજ ગુજરાતની આબરુ ધૂળમાં મળે તેવી એક શરમજનક ઘટના બની. બનાસકાંઠા જિલ્લાના સરીપાડા ગામના દલિત આકાશ કોટડિયા[27] કાશ્મીર ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. જ્યારે દેશનો એક દલિત સૈનિક પોતાના લગ્ન સમયે વરઘોડો કાઢે તો દેશભક્તિના નારા પોકારનારાઓએ એવા વરઘોડાનું સ્વાગત કરવું જોઈએ; તેના બદલે દેશભક્તો, દલિત સૈનિકના વરઘોડા ઉપર પથ્થરમારો કરે? આવો હિણપતભર્યો/અપમાનજનક વ્યવહાર દલિતો સાથે થાય ત્યારે ‘ભારતમાતા’ કેમ ચૂપ રહેતી હશે? આવી બિસંવેદનશીલ માતા હોઈ શકે ખરી? દલિતો પોતાના ખર્ચે વરઘોડો કાઢે; એમાં વાંધાજનક શું છે? એક સૈનિક દુશ્મનો સામે લડતા લડતા શહિદ થઈ જાય અને વતનમાં તેમનું શબ અંતિમસંસ્કાર માટે આવે ત્યારે એ સૈનિક મટી દલિત થઈ જાય? એમને સ્મશાનમાં પણ પ્રવેશ ન મળે? આપણા લોહીમાં/માનસિકતામાં વર્ણવાદ ઘૂસી ગયો છે; કાશ્મીરમાં સૈનિક ઉપર પથ્થરમારો થાય તો પથ્થર ફેંકનાર આતંકવાદી/દેશદ્રોહી લાગે છે; પરંતુ એક સૈનિકના લગ્નના વરઘોડા ઉપર પથ્થરમારો કરનાર આતંકવાદી/દેશદ્રોહી લાગતા નથી !
દેશભક્તિના નારા પોકારનારાઓને બરાબર ઓળખો; એ ભૂવા જેવા છે. ભૂવો ડાકલું વગાડી આપણને ધૂણાવે છે. ધર્મનું અફીણ નશો આપે છે, આનંદદાયક લાગે છે. આવું જ દેશભક્તિના/રાષ્ટ્રવાદના નારાઓ પણ આપણને મદહોશ કરે છે, નશો ચડાવે છે. આપણને વાસ્તવિક સમસ્યાઓથી દૂર રાખે છે. દલિત સૈનિકના વરઘોડા ઉપર પથ્થરમારો થાય તે ઘટના સૂચવે છે કે રાજ્ય દલિતોને માણસ ગણતું નથી ! રાજ્યમાં કાયદો/વ્યવસ્થા માત્ર ઉપલા વર્ણ માટે જ છે ! દલિત સૈનિકને પણ પોલીસ પ્રોટેક્શન હેઠળ વરઘોડો કાઢવો પડે; તે તંત્ર માટે શરમજનક બાબત કહેવાય. આકાશ કેટડિયા દુશ્મનો સામે લડી શકશે પણ દેશવાસીઓની કુસેવા સામે લડી કરશે નહીં; આ જવાબદારી આપણા સૌની છે. દેશભક્તિ/રાષ્ટ્રવાદના નારા લગાવતા પહેલા દેશના નાગરિકને માણસ તો ગણો ! નેતાઓ/કથાકારો/ગુરુઓએ આપણને માત્ર મતદાર બનાવ્યા/ભક્ત બનાવ્યા; પણ નાગરિક બનતા અટકાવ્યા ! સૂત્રો/નારાઓ માત્ર દલિતોને નશામાં રાખવા માટે જ છે ! દલિતોને જેલમાં ધકેલવા માટે જ છે; એટલું દલિતો ક્યારે સમજશે? rs