રાની અને દાદાજી
રાની ક્યારનીય અકળાઈ રહી હતી, છેવટે કંટાળીને એણે દાદાજી સામે જોયું અને આંખોથી જ ટીવી અને એના પપ્પા તરફ ઈશારો કર્યો. દાદાજી સમજી ગયા એમનો દીકરો ઘણા સમયથી ટીવીમાં ન્યૂઝ જોઈ રહ્યો હતો અને રાનીને કાર્ટૂન જોવું હતું.
“બેટા હવે થોડા સમાચાર છાપામાં વાંચી લે, આ ન્યૂઝ ચેનલવાળાના ઓનલાઇન ઝઘડા જોઈને તો માથું ચઢી જાય છે!" દાદાજીએ ધીરેથી કહ્યું.
“શું થશે આ દેશનું? ચાલો સ્પોર્ટ્સ ચેનલ કરું."
“સ્પોર્ટ્સ ચેનલ ચલાવીને પણ શું ફાયદો? યુટ્યુબ પર જે જોવું હોય એ ગમે ત્યારે મળી જાય સમય હોય ત્યારે સળંગ મેચ જોવાની મજા આવે."
“તમારે કાર્ટૂન ચલાવડાવવું છે એમ જ ને? પપ્પા રાની આખો દિવસ ટીવી જુએ એ સારી વાત છે?"
“ના એ સારી વાત નથી જ પણ તું મારા કેટલાક સવાલોનો જવાબ આપ, તને ખબર છે રાની કયા વર્ગમાં ભણે છે? એની ખાસ બહેનપણીનું નામ કે એના ક્લાસ ટીચરનું નામ તું જાણે છે? છેલ્લે એણે કયું ચિત્ર દોરેલું કે છેલ્લે એ બગીચામાં રમવા ક્યારે ગયેલી યાદ છે? એની ફેવરીટ ચોકલેટ, આઇસ્ક્રીમ કે એના ગમતા ટીવી પ્રોગ્રામ વિશે તને કંઈ ખબર છે?"
દાદા એકધારું બોલે ગયા અને એમનો દીકરો યાદ કરવા પ્રયત્ન કરી રહ્યો હતો.
“તને કંઈ યાદ નહીં આવે કેમ કે આ બધી વાતે તે ક્યારેય ધ્યાન જ આપ્યું નથી. તું હંમેશા મોબાઈલમાં વ્યસ્ત હોય કે ટીવીમાં, ઘરે આવ્યા પછી રાની સાથે થોડીક મજાક મસ્તી સિવાય કોઈ વાત કરી છે ક્યારેય? તારા મિત્રો વિશે, ક્રિકેટર વિશે, નેતાઓ વિશે, હાલની તાજા ખબર વિશે તું ઝીણામાં ઝીણી વિગત તરત મેળવી લે છે, ફોન કે ટીવી દ્વારા પણ તારી બાળકી વિશે જાણવા આ બધું કામ નહિ લાગે! એ માટે તારે એની સાથે બેસવું પડશે, એની સાથે વાતો કરવી પડશે! એકવાર એવું કરી જો જે તને આ મોબાઇલ કે ટીવીની દુનિયા કરતા એમાં ઘણો વધારે આનંદ આવશે અને એક આત્મસંતોષ મળશે. જ્યારે તું રાનીને સમય આપતો થઈશ ને ત્યારે રાની આખો દિવસ ટીવી આગળ નહી બેસી રહે એ મારી ગેરંટી છે, અજમાવી જો!"
રાનીના પપ્પા શું બોલે? ટીવીનું રિમોટ બાજુએ મૂકીને એમણે રાનીને માથે હાથ ફેરવી કહ્યું, “આજે સાંજે હું ઑફિસેથી ઘરે આવું પછી આપણે ગાર્ડનમાં ચાલવા જઈશું, તું તૈયાર રહેજે!"
રાની ખુશખુશાલ ચહેરે એના દાદા સામે જોઈ રહી અને દાદાએ ધીરેથી રિમોટ રાની પાસે સરકાવ્યું અને કહ્યું,
“ફક્ત અડધો કલાક!"
© નિયતી કાપડિયા.