કરાવી રક્તપાત જે લોકો દેશનું અમન વહેંચી દેશે,
આઝાદ કરાવ્યું શહીદો એવું ચમન વહેંચી દેશે.
શિકારી છે આ બધાય જનમાનસના મારા દોસ્ત,
પાંખો કાપે છે જનતાની અને ગગન વહેંચી દેશે.
મંદિર અને મસ્જિદમાં કેદ કરાવ્યો હતો આ દેશ,
થાય સોદો જો સત્તાનો તો આ વચન વહેંચી દેશે.
હજુ ઝુંપડા ઘણા પડ્યા છે આગ લગાવવા માટે,
વહેંચી જાય બધું તો લોકતંત્રનું સદન વહેંચી દેશે.
આ સિયાસત છે, અહીં નથી રહ્યા દેશપ્રેમી કોઈ,
સાત પેઢીનું ભેગું કરવા જવાનના કફન વહેંચી દેશે.
રામ અને રહીમ જોઈ રહ્યા છે એમના ખેલ બધા,
ચાલશે જો અંધ બની પ્રજા નેતા જન વહેંચી દેશે.
આસ્થા સાથે રમત કરતા આપણે જ શીખવ્યું છે,
ખબર નહિ રહે કે આ બાળકનું વદન વહેંચી દેશે.
"મનોજ" સહમી જાય છે આ નિર્માલ્યતા જોઈને,
સોદાગરો છે આ જુના ક્યાંક એ વતન વહેંચી દેશે.
મનોજ સંતોકી માનસ