"મજબૂરી"
આજે સવારની ચા ઠંડી જ થઈ ગઈ. . .
સરલાબેન ઘરે આવ્યા. એણે મને કામવાળી મનીષા વિષે વાત કરી. . .
સરલાબેન : ઉષાબેન! જય શ્રી કૃષ્ણ! કેમ છો ?
હું : અરે સરલાબેન, આવો-આવો, જય શ્રી કૃષ્ણ! કેમ છો? શું ચાલે છે ? ઘણા દિવસો બાદ દેખાયા .
સરલાબેન : હા, તમારે કામવાળી રાખવી છે, એવી પાડોશમાં વાત ચાલતી હતી , માટે હું આ મનીશા ને લઈ આવી છું . તમે એકવાર તેને મળી લો. એ મનીષા , અંદર આવતો.
( મનીષા અંદર આવે છે. )
મનીષા : નમસ્તે બેન! હું કપડા , વાસણ, કચરા, પોતા-દરેક કામ કરૂ છું . તમે ક્યો સવારે તો સવારે , તમે ક્યો બપોરે તો બપોરે . અને હા, બીજું ઈ કે બીજી કામવાળીયુ કરતા હું 50-100 ઓછા લઈશ હો! અને અેકવાર મને કામે રાખશો ને બેન તો પછી ના નઈ પાડો, તમે ક્યો તો બે દિવસ તમારૂ ઘર નું કામ કરી જાઉં . પછી હું તમને ગમશે તો આવીશ નહિતર તમે ક્યો એમ બેન.
હું : અરે બેટા ! ધીમે - ધીમે , પેલા શ્વાસ તો લઈ લે! હું તારા માટે પાણી લાવું છું .
મનીષા : ના બેન! કામની વાત કરોને પાણીની વાત પછી .
ત્યાં વળી સરલાબેન બોલ્યા : ઉષાબેન સાંભળો જોયે છોકરી કામની છે . અત્યારે વચ્ચે કોઈ કામવાળી તમને હા પણ નહિ પાડે અને આ તો તમારા મુન્નાનું પણ ધ્યાન રાખશે . હાથ માં આવ્યો મોકો જવા ન દેખાય પછી તમારી મરજી. હું તો જાઉં છું .
હું : સરલાબેન, બેસો. ચા પાણી પીને જજો. અને તમારો આભાર બેનને લઈ આવ્યા ને બધી વાત કરી. હું મનીષા હારે વાત કરીને જવાબ આપીશ.
(સરલાબેન જાય છે.)
હું : આવ મનીષા , બેસ બેટા . હવે બોલ.
મનીષા : ( નીચે જ બેસી જાય છે. ) બેન, અમારી જગ્યા અહીં જ છે.
હું : તો મનીષા , તું કેટલા સમયથી આ કામ કરે છે. અને તારી ઉંમર બેટા શું છે ? ( મને એ દેખાવ થી ઘણી નાની લાગી માટે મેં અેને પુછ્યું . )
મનીષા : અરે માસી, હું તો હજી ભણતી હતી . સાતમા ધોરણ માં છું પણ આં તો મારા બાની તબિયત બગડી ને વળી ઘણા વર્ષો થી મારા બાપુ કંઈ કમાતા - ધમાતા નથી , અને અમે ચાર બેનુ ને અેક નાનકડો ભાઈ આ તમારા મુન્ના જેવડો જ હશે . તો મારી બા ને મદદરૂપ થવા માંગું છું.
અને હું વિચાર માં ડુબી ગઈ કે મજબૂરી . . .