મને તારી જેમ બોલતા નથી આવડતું, ના તારી જેમ લડતા આવડે છે, તું બોલકી છે, દરેક વાતને ચપડ ચપડ બોલી દે છે, અને હું બસ શાંત બની એને સાંભળ્યા કરું છું....!!!
મને તો તારી જેમ પ્રેમ પણ કરતાં ક્યાં આવડે છે ? અઢળક પ્રેમને પોતાના દિલના કોઈ ખૂણામાં કઈ બોલ્યા વગર દબાવી રાખવો કઈ નાની સૂની વાત થોડી છે ?
તું ભલે બોલકી હોય પરંતુ પોતાના પ્રેમને અભિવ્યક્ત નથી કરી શકતી, પરંતુ તું પણ આ પ્રેમની બાબતમાં ભૂલી જાય છે કે હું પણ એક લેખક છું, કવિ છું, તારી અંદર છુપાયેલા એ ભાવને હું બરાબર વાંચી શકું છું. અને એટલે જ તારા પ્રેમની કબૂલાત ના કરવા છતાં પણ આટલા વર્ષ વિતાવ્યા છે, હરક્ષણ, હરપળ બસ તારી જ રાહ જોવ છું. તે મને ઘણીવાર કહ્યું કે થોડા મિત્રો પણ બનાવી લે. પણ હું સાવ એકલો રહેવા માંગુ છું, કારણ કે મને પણ બસ હવે તને જ સમય આપવો ગમે છે, હું એવી કોઈ જગ્યાએ બંધાવવા નથી માંગતો જેનાથી હું તને સમય ન આપી શકું.
હા, મને પણ તારા પ્રેમને કોઈ આગળ અભિવ્યક્ત કરવો છે, દિલ ખોલીને મારે પણ કોઈ એવા અંગતને જણાવવું છે કે "હું તને કેટલો પ્રેમ કરું છું..!!" સાંભળનારા એવા ઘણા મળી પણ જશે, પરંતુ આપણાં પ્રેમને સમજી શકે એવું કોઈ નહિ મળે !!! એટલે તારા પ્રેમને બસ મારા સુધી જ સીમિત રાખવો મારા માટે યોગ્ય છે.
છેલ્લીવાર જ્યારે આપણે મળ્યા ત્યારે તારા ચહેરા ઉપર મારા પ્રત્યેના પ્રેમને મેં ભરપૂર વાંચ્યો, તારી આંખોમાં એ પ્રેમ છલકાતો હતો. બસ હવે એનાથી બીજું મારે શું જોઈએ અને છેલ્લે છુટા પડતા તારો હાથ લંબાવી મારા હાથમાં ધરી દેવો.. એ પ્રેમની કબૂલાત તો છે...!!! ભલે શબ્દોમાં નથી પણ હૃદયમાંથી આવેલા આ ભાવ જીવવાનું કારણ બને છે અને આજ કારણથી હજુ વર્ષો સુધી હું આજ રીતે રહેવાની, રાહ જોવાની તૈયારી પણ બતાવું છું...!!
#કેપ્ટન @શ્યામ