પ્રેમ કરવાનો ન હોય, ના એ સફળ કે નિષ્ફળ હોય, પ્રેમ એ એક અવિરત વહેતો પ્રવાહ છે જે નદીના જળની માફક જે નજીક હોય એને શીતળતા આપે, પ્રેમ કોઈ દિવસ દઝાડે નહિ, નહિ કે બખેડા કરે. બે આત્માનું એવું ઐક્ય કે જે લડતાં, ઝઘડતા પણ દિલથી, મનથી છુટા ન પડે. આ બોન્ડિંગ આજીવન હોય છે. મ્યુચ્યુઅલ હોય છે. ત્યાગ અને સમર્પણ જ્યાં હાઈ ડોઝમાં હોય અને ઈગો/ અહનકાર જ્યાં અલ્પ હોય, જ્યાં મિત્રતાનો ભાવ, સમાનતાનો ભાવ 100 ટકા હોય આવી સ્થિતિ એ પ્રેમ ની સ્થિતિ છે. બાકી કોઈ બાળકને કોઈ રમકડાં પ્રત્યે આકર્ષણ થાય ને તે મેળવવા ધમપછાડા કરે પછી જો તે રમકડું ન મળે અને રિસાઈ જાય, પછી રોવે... તો એવું જ કહેવાય કે કોઈ યુવાન આત્મહત્યા કરે. આ પ્રેમ નથી પણ સ્વાર્થની ભાવના છે. જે મા બાપ નો પણ વિચાર ન કરે. પ્રેમનો લાડુ પચાવવો ભારે છે, ન પચાવી શકે તો ઝાડા થઈ જાય, એની ગરમી અસહ્ય છે જો સહન ન થાય તો પ્લાસ્ટિકની માફક ઓગળી જાય. આજકાલ કમજોર યુવાનો આકર્ષણને પ્રેમ સમજી કુદી પડે છે, પછી ગરમી સહન ન થાય એટલે પંખે લટકી જાય છે.
મજબૂત અને આંતરિક શુદ્ધિ ધરાવતાં જ લોકો જ પ્રેમ પામી શકે અને આપી શકે. નબળો ખેલાડી બોક્સિંગ રીંગમાં માર ખાઈને મરી જાય છે. સૌથી ઊંચો પ્રેમ સંતોનો ! જેની ધારા ચોતરફ વહેતી રહેતી હોય છે. સંસારીના પ્રેમમાં સ્વાર્થ હોય.