જીવન વિશે પૂછે તો કહું, ઝેર છે પ્રભુ!
દરબારમાં તારા હવે અંધેર છે પ્રભુ!
સાચું કહે છે એમની ક્યાં ખેર છે પ્રભુ?
ડામીસને ઘેર જો ને! લીલાલ્હેર છે પ્રભુ!
દુશ્મનને પ્રેમ આપવાની વાત તેં કરી,
અહિંયાં તો સગા ભાઈઓમાં વેર છે પ્રભુ!
જુઓ, હૃદય સિવાયનું ધબકે છે બધું અહીં,
માણસ વિનાનું જાણે કોઈ શ્હેર છે પ્રભુ!
આવ્યો’તો તારા દર્શને પગભર થવાને કાજ,
શોધું છું ક્યાં પગરખાંની પેર છે પ્રભુ?
: હિમલ પંડ્યા
૧૯૯૭