પપ્પા તો છે જ ને ...!!
હતા મારા જન્મ પર બધા ઉત્સાહી ને..,
એક ખુણામાં ચુપચાપ ઉભા હતા એ..,
અદબ વાળીને,
બધાએ માત્ર વહાલ કર્યું ને જે દવાખાનાના બીલ બાકી હતા તેમાં...,
પપ્પા તો છે જ ને...
પેટ ઘસીને ભાંખોડીયા ભરતા થયો હું,
અથડાયો ઘડાયો, કેટકેટલી વાર હું ઘરમાં,
પા પા પગલી ભરતાં ડર લાગે,
પણ... પડીશ તો ચિંતા નહોતી,
કેમ કે...
પપ્પા તો છે જ ને...
યાદ છે નિશાળનો પહેલો દિવસ...
જ્યારે રડયો હતો હું,
પોક મુકીને...
શાળાના દરવાજે, ડરી ગયો હું..,
આ ચોપડીઓના જંગલમાં,
પણ ખબર હતી કે, હાથ પકડનાર...
પપ્પા તો છે જ ને...
સ્લેટ માં લખતો હતો હું
જિંદગીના પાઠ રોજ, ને ભુંસતો
સુધારતો હું ભુલો, જો નહીં સુધરે ભુલો, ને નહીં ઉકલે આંટીઘૂંટી તો એ બધું ઉકેલવા,
પપ્પા તો છે જ ને..
પહેલી સાઇકલ, સ્કૂટર ને પહેલી ગાડીમાં
સ્ટીયરિંગ પકડીને જોડે દોડ્યા હતા એ,
જો લપસી જઈશ હું આ જિંદગીના રસ્તાઓ
પર ક્યાંક તો...,
હાથ પકડવા પપ્પા તો છે જ ને...
તું ભણ ને બાકી હું ફોડી લઈશ
આ ડાયલોગ પર આખું ભણતર પુરું કર્યું,
ચોપડા, કપડાં ને પોકેટ મની ટાઈમસર
આવતા ને ફી ભરવા માટે
પપ્પા તો છે જ ને...
કોઈ કરકસર કે કચાશ ના કરી મને સારો માણસ બનાવવામાં જેમણે,
હારી જઉં તો હાથ પકડીને ઉભો કરી
ફરી તૈયાર કરવામાં
પપ્પા તો છે જ ને...
નોકરી પછી લગ્ન ને પછી મારું ઘર કરવામાં
જેમણે કદી પાછું વળીને ના જોયું,
કંઈ ખુટી પડશે તો હું લઈ આવીશ એવી
હૈયાધારણ આપવાવાળા
પપ્પા તો છે જ ને...
જેમણે મને મોટો કર્યો
કોઈ પણ ક્ષોભ વિના, ને વિતાવ્યું આખું આયખું એમનું,
તો પણ હજી કંઈ થાય, તો આવીને મને કહેતા..,
તું મુંજાતો નહીં..,
તારા પપ્પા તો છે જ ને
હાર્યો કેટલીય વાર જિંદગીના દાવ પેચમાં,
ને રમ્યો બમણું હું, જુગાર કેટલાય ખેલમાં,
તોય સતત મને જીતાડવા મથતા ને.., થાય કંઈ પણ...,
મને તો એક જ નિરાંત કે...
પપ્પા તો છે જ ને...